ટીમ ઈન્ડિયામાંથી બહાર થતાં જ નીતિશ કુમાર રેડ્ડી સામે દાખલ થયો કેસ, કરોડોની છેતરપિંડીનો લાગ્યો આરોપ

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તે હજુ આ ઝટકામાંથી બહાર નહતો આવ્યો ત્યારે તેને વધુ એક મોટો ઝટકો લાગ્યો. તેના પર 5 કરોડ રૂપિયાથી વધુની બાકી રકમ ન ચૂકવવાનો આરોપ છે. આ મામલે તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેંગલુરુ સ્થિત ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સી સ્ક્વેર ધ વન દ્વારા તેના પર આ આરોપ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન, તેણે એક અરજી દાખલ કરી છે, જેની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં થશે. નીતિશને ઈંગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી, પરંતુ ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થતા તે ટીમમાંથી બહાર થઈ ગયો હતો. હવે તે એક નવી મુશ્કેલીમાં ફસાઈ ગયો છે.
નીતિશની મુશ્કેલી વધી
અહેવાલ મુજબ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન નીતિશ રેડ્ડી અને તેની ભૂતપૂર્વ મેનેજમેન્ટ એજન્સી સ્ક્વેર ધ વન વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. આ પછી, ટીમ ઈન્ડિયાના આ ઓલરાઉન્ડરે ટીમના એક ક્રિકેટરની મદદથી નવી મેનેજમેન્ટ એજન્સી સાથે કોન્ટ્રકટ કર્યો, જ્યારે નીતિશનો સ્ક્વેર ધ વન સાથે 3 વર્ષનો કોન્ટ્રકટ હતો.
અહેવાલો અનુસાર, સ્ક્વેર ધ વન પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર શિવ ધવને નીતિશ પર કોન્ટ્રકટનું ઉલ્લંઘન કરવાનો અને બાકી રકમ ન ચૂકવવાનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી સોમવાર, 28 જુલાઈના રોજ દિલ્હી હાઈકોર્ટમાં થવાની ધારણા છે. સ્ક્વેર ધ વન સાથેના કોન્ટ્રકટ દરમિયાન, નીતિશ મીડિયા પ્રમોશનમાં ખૂબ જોવા મળ્યો હતો, પરંતુ ગયા વર્ષે ડિસેમ્બરથી, તે ભાગ્યે જ જોવા મળે છે.
નીતિશ પણ એક્શનમાં
નીતીશ કુમાર રેડ્ડી પણ આ મામલે કોર્ટમાં જવા તૈયાર છે. અહેવાલો અનુસાર, તેણે સ્ક્વેર ધ વનને કોઈ પૈસા આપવાનો ઈનકાર કર્યો છે. તેનો દાવો છે કે તેણે પોતે જ એન્ડોર્સમેન્ટ ડીલ મેળવી હતી. આમાં એજન્સીની કોઈ ભૂમિકા નહતી. જોકે, નીતિશ તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
ઘૂંટણની ઈજાને કારણે ટીમની બહાર થઈ ગયો
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન, તેને ઘૂંટણની ઈજા થઈ હતી, જેના કારણે તે ટીમની બહાર થઈ ગયો અને ભારત પાછો ફર્યો છે. નીતિશને ઈંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી. આ દરમિયાન, તેણે 45 રન બનાવ્યા અને ત્રણ વિકેટ લીધી હતી.

