RCBના ફાસ્ટ બોલર યશ દયાલની મુશ્કેલીઓ વધી, વધુ એક યુવતીએ નોંધાવ્યો દુષ્કર્મનો કેસ

અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોટી રાહત મળ્યા બાદ ક્રિકેટર યશ દયાલ વિરૂદ્ધ વધુ એક યુવતીએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. એવામાં ક્રિકેટર પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધાઈ છે. યુવતીનો આરોપ છે કે, ક્રિકેટમાં કરિયર બનાવી આપવાની લાલચ આપી બ્લેકમેઈલ કરવામાં આવી હતી. તેના પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ક્રિકેટ રમતી વખતે યશ દયાલના સંપર્કમાં આવી હતી.
બે વર્ષ પહેલાં જયપુરમાં પીડિતાની મુલાકાત યશ દયાલ સાથે થઈ હતી. તે સમયે તે સગીર હતી. IPL મેચ રમવા યશ દયાલ જયપુર આવ્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે, ક્રિકેટમાં કરિયર બનાવવાની સલાહ આપવાના બહાને યશ દયાલે તેને હોટલમાં બોલાવી હતી. IPL 2025માં મેચ દરમિયાન સીતાપુરા સ્થિત એક હોટલમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સિવાય પહેલાં પણ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તે સમયે તે 17 વર્ષની હોવાથી પોલીસે યશ દયાલ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ FIR નોંધી છે.
યશ દયાલ પર પ્રથમ FIR ક્યારે થઈ?
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં રમતા ક્રિકેટર યશ દયાલ વિરૂદ્ધ એક મહિલાએ કથિત યૌન શોષણ કરવાના આરોપસર જુલાઈમાં FIR નોંધાવી છે. આ FIR ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. યુવતીએ ક્રિકેટર પર લગ્નનું ખોટું વચન આપી આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો.
હાઈકોર્ટે ધરપકડ પર રોક મૂકી
ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં 6 જુલાઈના રોજ એક મહિલાએ યશ દયાલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી હતી. કોર્ટે મૌખિક ટિપ્પણી કરી હતી કે, બંને જણ પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા. આથી એવું ન કહી શકાય કે, લગ્નના બહાને સંબંધ બાંધ્યા હતા.
યશ દયાલનું ક્રિકેટ કરિયર
યશ દયાલ IPL 2025માં વિનર ટીમ RCBનો હિસ્સો રહ્યો હતો. તેણે પાંચ મેચમાં 13 વિકેટ ઝડપી હતી. 2022માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તે ઉત્તર પ્રદેશની ટીમમાંથી રમે છે. બાંગ્લાદેશ સિરીઝ અને બોર્ડર ગાવસ્કર સિરીઝ દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થયો હતો. પરંતુ અત્યાર સુધી કોઈ મેચ રમવાની તક નથી મળી. 27 વર્ષીય યશ દયાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 27 મેચમાં 84 વિકેટ ઝડપી છે.

