રિષભ પંત પહેલા આ ભારતીય ખેલાડીઓએ દેખાડી હતી ગજબની હિંમત, ગંભીર હાલતમાં પણ ઉતર્યા હતા મેદાનમાં

દેશ માટે રમવું એ દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે, પરંતુ થોડા જ ખેલાડીઓ આ સ્વપ્ન અને લક્ષ્યને પૂર્ણ કરી શકે છે અને આ સ્વપ્ન દરમિયાન, ઘણા ખેલાડીઓ એવા છે જેમણે ગંભીર ઈજાઓ છતાં દેશ માટે રમ્યા છે. છેલ્લા બે દિવસથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન રિષભ પંત ચર્ચામાં રહ્યો છે. ક્રિસ વોક્સના યોર્કર બોલ પર રિવર્સ સ્વીપ રમતી વખતે પંતના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું અને તેને મેદાન છોડવાની ફરજ પડી હતી.
ઈજાગ્રસ્ત હોવા છતાં મેદાનમાં ઉતર્યો હતો પંત
ડોકટરે પંતને 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી હતી. જ્યારે BCCIએ કહ્યું હતું કે પંત ચોથી ટેસ્ટમાં વિકેટ કીપિંગ નહીં કરે, પરંતુ ટીમને જરૂર પડશે તો બેટિંગ કરશે. મેચના બીજા દિવસે, પંત લંગડાતો-લંગડાતો મેદાનમાં ઉતર્યો અને બેટિંગ કરતો જોવા મળ્યો હતો. પંતનો જુસ્સો જોઈને સ્ટેડિયમમાં હાજર ફેન્સ ભાવુક થઈ ગયા. પહેલા દિવસે પંતે 48 બોલમાં 37 રન બનાવ્યા હતા. પંતનો આ જુસ્સો આપણને અનિલ કુંબલે, સચિન તેંડુલકર અને યુવરાજ સિંહ જેવા ક્રિકેટર્સની યાદ અપાવે છે, તેઓ પણ ઈજાગ્રસ્ત હોવા છતાં મેદાનમાં આવ્યા હતા.
અનિલ કુંબલે: તૂટેલું જડબું, અતૂટ હિંમત
વર્ષ 2002માં વેસ્ટ ઈન્ડિઝ સામે સેન્ટ જોન્સ ટેસ્ટમાં, અનિલ કુંબલેએ સ્પોર્ટ્સમેનશિપનું ઉમદા ઉદાહરણ રજૂ કર્યું. બોલિંગ કરતી વખતે, બોલ તેની દાઢી પર વાગ્યો, જેનાથી તેનું જડબું તૂટી ગયું. ડોકટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી, પરંતુ કુંબલેએ હાર ન માની. ચહેરા પર પાટો બાંધીને, પીડા સામે લડતા, તેણે 14 ઓવર બોલિંગ કરી અને બ્રાયન લારા જેવા દિગ્ગજ ખેલાડીની વિકેટ લીધી. આ ક્ષણ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલી છે. કુંબલેનું આ બલિદાન અને જુસ્સો યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બન્યું.
સચિન તેંડુલકર: પીઠમાં પીડા હોવા છતાં મેદાનમાં ઉતર્યો
વર્ષ 1999માં ચેન્નાઈ ટેસ્ટમાં, સચિન તેંડુલકરે પીઠના દુખાવા સાથે પાકિસ્તાન સામે 136 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. તેની પીઠમાં અસહ્ય દુખાવો હતો. છતાં, તે મેદાન પર અડગ રહ્યો હતો. ભલે ત્યારે ભારત 12 રનથી હારી ગયું હતું. પણ સચિનના આ પ્રયાસે બતાવ્યું કે તે માત્ર એક બેટ્સમેન જ નહીં, પણ એક યોદ્ધા પણ છે. આ ઈનિંગ આજે પણ ક્રિકેટ પ્રેમીઓ માટે પ્રેરણાનું પ્રતીક છે.
યુવરાજ સિંહ: કેન્સર સામેની લડાઈ અને વર્લ્ડ કપ જીત
યુવરાજ સિંહ કેન્સર જેવા ગંભીર રોગ સામે લડતો હોવા છતાં તેણે 2011ના વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઈનલમાં, તેણે 57 રન બનાવી અને 2 વિકેટ લઈને ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્સરના શરૂઆતના લક્ષણો હોવા છતાં, યુવરાજે દરેક મેચમાં જુસ્સો દર્શાવ્યો અને ભારતને વર્લ્ડ કપ જીતવામાં ફાળો આપ્યો. તેની લડાઈ આપણને ફક્ત ક્રિકેટના મેદાન પર જ નહીં પરંતુ જીવનના પડકારો સામે પણ લડવાની પ્રેરણા આપે છે.

