WCL 2025 / એબી ડી વિલિયર્સે ફરી મચાવી તબાહી, 41 બોલમાં ફટકારી સદી; ફેન્સે કહ્યું- 'નિવૃત્તિ પાછી લઈ લો'

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં એબી ડી વિલિયર્સનું વર્ચસ્વ ચાલુ છે. તેની બેટિંગ અને ફિલ્ડિંગ જોઈને, ફેન્સ તેને નિવૃત્તિ પાછી લેવાની માંગ કરી રહ્યા છે. 41 વર્ષીય એબીએ ગુરુવારે ફરી બેટથી તબાહી મચાવી હતી.
ઈંગ્લેન્ડ ચેમ્પિયન સામે, આ સાઉથ આફ્રિકાના બેટ્સમેને પહેલા 21 બોલમાં ફિફ્ટી ફટકારી. જોકે, તે પછી પણ તે અટકવાનો નહતો. એબીએ 41 બોલમાં સદી ફટકારી. હાશિમ અમલાએ બીજી ઈનિંગમાં તેને સારો સાથ આપ્યો. બંનેની પાર્ટનરશિપને કારણે, સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી મેચ જીતી લીધી.
ઈંગ્લેન્ડે 152 રન બનાવ્યા
મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલા ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 152 રન બનાવ્યા હતા. ઓપનર ફિલ મસ્ટર્ડે 39, રવિ બોપારાએ 7, મોઈન અલીએ 10, સમિત પટેલે 24, કેપ્ટન ઈયોન મોર્ગને 20 અને ઈયાન બેલે 7 રન બનાવ્યા હતા. જ્યારે ટિમ એમ્બ્રોઝ 19 અને લિયામ પ્લંકેટ 13 રન બનાવીને અણનમ રહ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી વેઈન પાર્નેલે 2 વિકેટ લીધી. તેના સિવાય ઈમરાન તાહિરે પણ 2 વિકેટ લીધી. ક્રિસ મોરિસ અને ડુએન ઓલિવિયરે 1-1 વિકેટ લીધી હતી.
આફ્રિકાએ 10 વિકેટથી મેચ જીતી
સાઉથ આફ્રિકાએ 153 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ચેઝ કરી લીધો. કેપ્ટન એબીએ 227.45ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. તેણે 51 બોલમાં 116 રનની ઈનિંગ રમી. આ ઈનિંગમાં એબીએ 15 ચોગ્ગા અને 7 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. હાશિમ અમલાએ તેને સંપૂર્ણ સપોર્ટ આપ્યો. તે 25 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 29 રન બનાવીને અણનમ રહ્યો હતો.
આ પહેલા, એબી ડી વિલિયર્સનું તોફાન ઈન્ડિયા ચેમ્પિયન્સ સામે પણ જોવા મળ્યું હતું. સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સના કેપ્ટને ભારતીય ટીમ સામે 30 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં મિસ્ટર 360 એ 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. સાઉથ આફ્રિકાએ DLS પદ્ધતિથી આ મેચ 88 રનથી જીતી હતી.
વેસ્ટ ઈન્ડીઝ ચેમ્પિયન્સ સામેની પહેલી મેચમાં, એબીનું બેટ શાંત રહ્યું હતું. તે મેચમાં તેણે 4 બોલનો સામનો કર્યો અને 3 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા ચેમ્પિયન્સે આ મેચ બોલ આઉટમાં જીતી લીધી. સતત 3 જીત સાથે, સાઉથ આફ્રિકા WCL 2025 પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે.

