WCLની મેચ રદ્દ થતા પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાને આપ્યો પડકાર, કહ્યું- 'વર્લ્ડ કપ અને ઓલિમ્પિકમાં પણ ન રમતા'

પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે, ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) માં પાકિસ્તાન સામેની મેચનો બહિષ્કાર કર્યો હતો. પરિણામે, આયોજકોએ મેચ રદ્દ કરી દીધી. ભારતના આ પગલાથી પાકિસ્તાન ગુસ્સે થઈ ગયું. તેના એક ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે યુટ્યુબ પર આ અંગે વાત કરી.
પાકિસ્તાન સામે મેચ રમવાનો ખેલાડીઓનો ઈનકાર
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી ભારતે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો અને પછી પાકિસ્તાની સેનાએ પણ વળતો જવાબ આપ્યો. આમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો. ત્યારથી, ભારતમાં દરેક જગ્યાએ પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, શિખર ધવને આ મેચ રમવાનો ઈનકાર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર તેના વિશે માહિતી આપી હતી. ધવન ઉપરાંત, સુરેશ રૈના, યુવરાજ સિંહ, ઈરફાન અને યુસુફ પઠાણે પણ રમવાનો ઈનકાર કર્યો હતો.
ભારતના આ પગલાથી પાકિસ્તાન ગુસ્સે
ભારતના આ પગલાં બાદ પાકિસ્તાન ખૂબ જ અકળાયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન સલમાન બટ્ટે ભારત વિરુદ્ધ કેટલીક વાતો કહી છે અને વચન પણ માંગ્યું છે. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "આખી દુનિયા તેના વિશે વાત કરી રહી છે. તે સમગ્ર ક્રિકેટ જગત અને ફેન્સને શું સંદેશ આપવા માંગે છે? તમે શું સાબિત કરવા માંગો છો? વચન આપો કે હવે તમે વર્લ્ડ કપમાં પણ અમારી સામે નહીં રમો, તેમજ કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં અમારી સામે નહીં રમો."
સલમાન બટ્ટે આ અંગે વધુમાં કહ્યું કે, "અમે જાણીએ છીએ કે દરેકનું પોતાનું સ્થાન હોય છે. પરંતુ હવે જ્યારે તમે બે બાબતોને જોડી રહ્યા છો, તો પછી કોઈપણ સ્તરની રૂર્નામેન્ટમાં અમારી સામે ન રમશો, ઓલિમ્પિક ગેમ્સમાં પણ નહીં. કૃપા કરીને આવું કરજો જ. હું આ જોવા માંગુ છું. હવે આ સાખની બાબત બની ગઈ છે અને હું જોવા માંગુ છું કે તમારામાં કેટલો રાષ્ટ્રવાદ છે."
અમુક ખેલાડીના નિર્ણયના કારણે અન્ય ખેલાડીઓ પ્રભાવિત થયા
સલમાને અન્ય ભારતીય ખેલાડીઓ વિશે વાત કરતા કહ્યું કે ટીમના ચાર કે પાંચ ખેલાડીઓએ બાકીના ખેલાડીઓને પ્રભાવિત કર્યા હતા અને તે આ વાત નથી સમજી શકતો. તેણે કહ્યું, "આ કેવી માનસિકતા છે? હું પણ આ સમજી નથી શકતો. નિર્ણયો કોણ લઈ રહ્યું છે? ચાર-પાંચ ખેલાડીઓએ ન રમવાનો નિર્ણય લીધો અને તેમના કારણે બાકીના ખેલાડીઓ મેચ ન રમી શક્યા. જે રમવા માંગતા હતા તેઓ દબાણમાં આવી ગયા."

