IND vs ENG / ગિલ-બુમરાહ કે જાડેજા નહીં, આ ભારતીય ખેલાડીથી ડરે છે ઈંગ્લેન્ડ; ભૂતપૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. મોટો પ્રશ્ન એ છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે. છેલ્લી મેચમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે વિકેટકીપિંગ કરી નહતો શક્યો, હવે માન્ચેસ્ટરમાં તેના રમવા અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી આવ્યું. આ સિરીઝમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે કહ્યું કે ઈંગ્લેન્ડની ટીમ આ ત્રણથી નહીં પણ બીજા ભારતીય ખેલાડીથી ડરે છે.
ઈંગ્લેન્ડ આ ખેલાડીથી ડરે છે
સંજય માંજરેકરે કહ્યું કે, "પરિસ્થિતિ ગમે તે હોય, રિષભ પંત તેની સ્ટાઇલ અનુસાર રમશે અને તેને તે સ્વતંત્રતા મળવી જોઈએ. રિષભ પંત હાલમાં પાંચમા નંબર પર સૌથી મોટો ખેલાડી છે. તે હાલમાં એવો ખેલાડી છે, જેનાથી ઈંગ્લેન્ડની ટીમ પણ ડરે છે. બીજી તરફ, બેટ્સમેનોએ સારું પ્રદર્શન કરવું પડશે. યશસ્વી જયસ્વાલને તેના ફોર્મનો ફાયદો ઉઠાવવો જોઈએ અને તેણે વિચારવું પડશે કે તે છેલ્લી મેચમાં કેવી રીતે આઉટ થયો?"
વધુમાં, માંજરેકરે કેપ્ટન શુભમન ગિલ વિશે કહ્યું કે, "ગિલની ભૂમિકા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. ગિલ લોર્ડ્સમાં ફ્લોપ સાબિત થયો, છતાં ટીમ ઈન્ડિયાની બેટિંગ સારી હતી. ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે બેટિંગ સંપૂર્ણપણે ગિલ પર નિર્ભર નથી."
પંતે સિરીઝમાં 425 રન બનાવ્યા
રિષભ પંત આ સિરીઝમાં ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 ઈનિંગ્સમાં તેના બેટમાંથી 425 રન આવ્યા છે. લોર્ડ્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરતી વખતે પંતે 74 રન બનાવ્યા હતા, જોકે, પંત બીજી ઈનિંગમાં વહેલો આઉટ થઈ ગયો હતો. પ્રથમ ઈનિંગમાં વિકેટકીપિંગ દરમિયાન પંતની આંગળીમાં ઈજા થઈ હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ બીજી ઈનિંગમાં પંતની વિકેટને મહત્ત્વપૂર્ણ ગણાવી હતી.
પંતમાં ગમે ત્યારે મેચનો માર્ગ બદલવાની ક્ષમતા છે. પ્રથમ મેચમાં પંતના બેટમાંથી શાનદાર સદી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, હવે ટીમ ઈન્ડિયા અને ફેન્સ ઈચ્છશે કે પંત ચોથી ટેસ્ટ મેચ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જાય. આ મહત્ત્વપૂર્ણ મેચમાં પંતની બેટિંગ ખૂબ જ જરૂરી છે, કારણ કે ચોથી મેચ જીતીને, ટીમ ઈન્ડિયા સિરીઝ 2-2થી બરાબર કરવા માંગશે.

