IND vs ENG / હવે શરૂ થશે શુભમન ગિલની ખરી કસોટી, ચોથી ટેસ્ટ પહેલા પૂર્વ કેપ્ટને આપ્યું મોટું નિવેદન

ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે જ યુવા શુભમન ગિલની કપ્તાનીની કસોટી શરૂ થઈ ગઈ હતી. પહેલી ટેસ્ટમાં હાર બાદ ગિલે જે રીતે ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી તેનાથી અનુભવી ક્રિકેટરો ખૂબ પ્રભાવિત થયા. જોકે, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલ માને છે કે ભારતના યુવા કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામે શાનદાર બેટિંગ અને નેતૃત્વ ક્ષમતાની ઝલક બતાવી છે, પરંતુ ખરી કસોટી હજુ બાકી છે. લોર્ડ્સ ટેસ્ટમાં ભારતને 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી ઈંગ્લેન્ડ સિરીઝમાં આગળ છે. હવે બંને ટીમો 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં ચોથી મેચમાં એકબીજાનો સામનો કરશે.
હવે શરૂ થશે ખરી કસોટી
ESPNcricinfoમાં લખેલી પોતાની કોલમમાં ચેપલે કહ્યું કે ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટ મેચની તૈયારી કરી રહી છે. આવી સ્થિતિમાં, હવે બધાની નજર કેપ્ટન શુભમન ગિલ પર છે. શુભમન ગિલે અત્યાર સુધી શાનદાર બેટિંગ કરીને પોતાની પ્રતિભા બતાવી છે અને ઉત્તમ કેપ્ટનશિપ સ્કિલની ઝલક પણ બતાવી છે, પરંતુ તેની ખરી કસોટી હવે શરૂ થશે. આ તક ટેસ્ટ કેપ્ટન તરીકે તેની દિશા નક્કી કરશે.
ચેપલે ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ પર પણ ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે આ તબક્કે નબળી ફિલ્ડિંગ ભારતને ભારે પડી શકે છે. તેણે કહ્યું કે ભારતને ફરીથી નબળી ફિલ્ડિંગવાળી ટીમ બનવાનું પોસાય તેમ નથી. શ્રેષ્ઠ ટીમો મેદાનમાં ચપળ હોય છે, વધારાના રન નથી આપતી અને તકો નથી ચૂકતી.
ખેલાડીઓ પર વિશ્વાસ કરવો પડશે
ગ્રેગ ચેપલે શુભમન ગિલને સલાહ આપી કે તે તેની મુખ્ય ટીમ સાથે રહે અને સિલેક્ટર્સ સાથે મળીને એવા ખેલાડીઓ પર વિશ્વાસ કરે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મેચ જીતાડી શકે છે. તેણે કહ્યું કે ગિલ અને સિલેક્ટર્સે એવા ખેલાડીઓને ઓળખવા પડશે જે દબાણ હેઠળ પ્રદર્શન કરી શકે. કેપ્ટને દરેક ખેલાડીની ભૂમિકા સ્પષ્ટ રીતે સમજાવવી જોઈએ, જેથી દરેકને તેની જવાબદારી ખબર હોય. ચેપલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટીમ ઈન્ડિયા સિરીઝમાં પાછળ છે અને આગામી ટેસ્ટ નિર્ણાયક સાબિત થઈ શકે છે. શુભમન ગિલ પાસે ભારતને સિરીઝમાં પાછું લાવવાની તક તો છે જ, પણ તેની પાસે એક વિશ્વસનીય અને વ્યૂહાત્મક કેપ્ટન તરીકે પોતાને સ્થાપિત કરવાની પણ સુવર્ણ તક છે.

