શું જસપ્રીત બુમરાહ વગર ઘટી જાય છે ભારતીય ટીમની જીતની શક્યતા? આ આંકડા વાંચીને તમને પણ થશે આશ્ચર્ય

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વર્તમાન ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે બે ટેસ્ટ મેચમાં 12 વિકેટ લીધી હતી, જેમાં બે વખત પાંચ વિકેટ હોલનો સમાવેશ થાય છે. બુમરાહે ભારત માટે લીડ્સ અને લોર્ડ્સ ટેસ્ટ રમી હતી, તેને એજબેસ્ટન ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે 23મી જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાનારી ટેસ્ટ સિરીઝની ચોથી મેચમાં જસપ્રીત બુમરાહ રમશે કે નહીં તે હજુ નક્કી નથી. આ દરમિયાન એવા સવાલો થઈ રહ્યા છે કે, શું જસપ્રીત બુમરાહ વગર ભારતીય ટીમના ટેસ્ટમાં જીતવાના ચાન્સ ઘટી જાય છે?
જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે: ડેવિડ લોયડ
ઈંગ્લેન્ડ પ્રવાસમાં જસપ્રીત બુમરાહે રમેલી બે ટેસ્ટ મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. જ્યારે બુમરાહ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં નહતો રમ્યો, જ્યાં આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી અને ભારતે 336 રનથી જીત મેળવી હતી. હવે બુમરાહ અંગે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે મોટું નિવેદન આપ્યું છે. એક મીડિયા ઇન્ટરવ્યુમાં તેણે દાવો કર્યો છે કે, "એવું કહેવાય છે કે જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ભારતીય ટીમ મેચ હારે છે. બુમરાહ વિશ્વનો શ્રેષ્ઠ બોલર છે અને તે વ્યક્તિગત રીતે ખૂબ જ સારો છે."
જસપ્રીત બુમરાહે રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 20 ટેસ્ટ મેચ જીતી
જસપ્રીત બુમરાહે 5 જાન્યુઆરી 2018ના રોજ સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. ત્યારથી ભારતીય ટીમ કુલ 74 ટેસ્ટ મેચ રમી છે. બુમરાહે આ 74 મેચોમાંથી 47 મેચ રમી છે. તેણે રમેલી 47 ટેસ્ટ મેચોમાંથી ભારતે 20 ટેસ્ટ મેચ જીતી છે. જ્યારે ભારતીય ટીમને 27 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બુમરાહ રમે છે ત્યારે જીતની ટકાવારી 42.55 રહી છે.
બીજી તરફ બુમરાહે જે 27 ટેસ્ટ મેચ નથી રમી તેમાંથી ભારતીય ટીમે 19 મેચ જીતી. જ્યારે ભારતીય ટીમને ફક્ત 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. આ ઉપરાંત 3 મેચ ડ્રો રહી હતી. બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ટીમની ટેસ્ટમાં જીતની ટકાવારી 70.37 રહી છે. આ આંકડા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડના દાવાને મજબૂત કરે છે.
ટેસ્ટમાં રેકોર્ડ કેવો છે?
હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જસપ્રીત બુમરાહની વ્યક્તિગત સફળતા ટીમના પ્રદર્શનમાં ફાળો નથી આપી શકતી? બુમરાહનો ટેસ્ટમાં રેકોર્ડ ઉત્તમ રહ્યો છે. બુમરાહે અત્યાર સુધીમાં 47 ટેસ્ટ મેચોમાં 19.48ની એવરેજથી 217 વિકેટ લીધી છે. ટેસ્ટમાં 200થી વધુ વિકેટ લેનારા બોલરોમાં ફક્ત બુમરાહની એવરેજ 20થી ઓછી છે. કોઈને તેની ક્ષમતા પર કોઈ શંકા નથી. પરંતુ એવું લાગે છે કે જ્યારે બુમરાહ રમે છે, ત્યારે ટીમ તેના પર વધુ પડતી નિર્ભર થઈ જાય છે અથવા સાથી બોલરો તેને એટલો સપોર્ટ નથી આપતા.

