IND vs ENG / જસપ્રીત બુમરાહ માન્ચેસ્ટર ટેસ્ટ રમશે કે નહીં? આસિસ્ટન્ટ કોચે આપ્યો જવાબ

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચમાં રમ્યો હતો. ત્યારબાદ તેને બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ત્રીજી ટેસ્ટ મેચમાં પણ રમ્યો હતો. ભારતીય ટીમ હાલમાં ટેસ્ટ સિરીઝમાં 1-2થી પાછળ છે અને સિરીઝ બરાબર કરવા માંગે છે. આવી સ્થિતિમાં, 23 જુલાઈથી શરૂ થનારી ચોથી ટેસ્ટમાં ભારતને બુમરાહની જરૂર પડશે. પરંતુ સિરીઝ શરૂ થયા પહેલાં, એવું કહેવામાં આવ્યું હતું કે બુમરાહ સિરીઝમાં વધુમાં વધુ ત્રણ ટેસ્ટ મેચ રમશે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે બુમરાહ આગામી ટેસ્ટમાં રમશે કે નહીં.
નિર્ણય માન્ચેસ્ટરમાં જ લેવામાં આવશે: ટેન ડોશેટ
ભારતના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે બેકેનહેમમાં ભારતના એકમાત્ર ટ્રેનિંગ સેશન પછી કહ્યું કે, "અમે આ નિર્ણય માન્ચેસ્ટરમાં જ લઈશું. અમે જાણીએ છીએ કે અમે તેને છેલ્લી બે ટેસ્ટમાંથી એક માટે પસંદ કરી શકીએ છીએ. મને લાગે છે કે હવે માન્ચેસ્ટરમાં સિરીઝ દાવ પર છે, તેથી તેને રમાડવા પર વિચાર કરવામાં આવશે. હજુ પણ બધા પરિબળો પર ધ્યાન આપવાનું બાકી છે. અમે ત્યાં કેટલા દિવસ ક્રિકેટ રમી શકીશું? આ મેચ જીતવા માટે અમારી પાસે શ્રેષ્ઠ તક કઈ છે? અને પછી ઓવલમાં યોજના કેવી રીતે બેસે છે તે પણ."
ટેન ડોશેટે કહ્યું કે, "અમે અહીં અમારા બોલરોની તુલના અન્ય ટીમોના બોલરો સાથે કરવા માટે નથી. અમારી પાસે અમારી પોતાની શક્તિ છે. અમે જાણીએ છીએ કે જસપ્રીત પોતાના સ્પેલમાં શું કરે છે, ખાસ કરીને ટૂંકા સ્પેલમાં." ડોશેટે કહ્યું કે કેટલાક બોલરો આવા હોય છે. એવું જરૂરી નથી કે બધા એકસરખા હોય.
રિષભ પંતે ટ્રેનિંગ નહતી લીધી
વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત, જે આંગળીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, તેણે ગુરુવારે ટ્રેનિંગ નહતી લીધી, પરંતુ તે ટીમ સાથે બેકેનહેમ ગયો હતો. આશા છે કે તે માન્ચેસ્ટર મેચ માટે સંપૂર્ણપણે ફિટ થઈ જશે. ડોશેટે તેના વિશે કહ્યું કે, "તેણે ત્રીજી ટેસ્ટમાં ખૂબ પીડા સાથે બેટિંગ કરી હતી અને અમે ફરીથી એવી પરિસ્થિતિમાંથી પસાર થવા નથી માંગતા જ્યાં અમારે ઈનિંગ્સની વચ્ચે વિકેટકીપર બદલવો પડે. તેણે આજે આરામ કર્યો. અમે ફક્ત તેને આરામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આશા છે કે તે માન્ચેસ્ટરમાં પહેલા ટ્રેનિંગ સેશનમાં રમવા માટે સંપૂર્ણપણે તૈયાર હશે."

