લૉર્ડ્સમાં જીત બાદ ઇંગ્લેન્ડને થયું મોટું નુકસાન; WTCમાં 2 પોઇન્ટ કપાયા, ખેલાડીઓને 10%નો દંડ

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને ભારત વિરૂદ્ધ લૉર્ડ્સ ટેસ્ટમાં સ્લો ઓવર રેટને કારણે બે પોઇન્ટનું નુકસાન થયું છે. આ સાથે જ ટીમે પોતાની મેચ ફીના 10% દંડ પણ ભરવો પડશે. ઇંગ્લેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે જ્યારે ભારત ચોથા સ્થાન પર છે.
લૉર્ડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને 22 રને હરાવ્યું હતું પરંતુ મેચ રેફરી રિચી રિચર્ડસન અનુસાર ઇંગ્લેન્ડે નક્કી સમય કરતા બે ઓવર ઓછી ફેકી હતી.
ઇંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સે ભૂલ સ્વીકારી
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ઇંગ્લેન્ડના 2 પોઇન્ટ પણ કાપવામાં આવ્યા છે. જોકે, કેપ્ટન બહેન સ્ટોક્સે ભૂલ સ્વીકારી લીધી છે માટે ઔપચારિક સુનાવણીની જરૂર પડી નહતી.
ICCના નિયમ અનુસાર દરેક ઓવર ઓછી ફેકવા પર ખેલાડીઓની 5% મેચ ફી કાપવામાં આવે છે. આ સાથે જ ઓવર માટે 1 WTC પોઇન્ટ પણ કાપવામાં આવે છે.
WTC પોઇન્ટ ટેબલમાં સ્થિતિ
WTCમાં ઇંગ્લેન્ડ 24 પોઇન્ટથી ઘટીને 22 પર આવી ગયું છે. ઇંગ્લેન્ડની જીત ટકાવારી 66.67%થી ઘટીને 61.11% થઇ ગઇ છે, જેનાથી શ્રીલંકા (66.67%) બીજા નંબર પર આવી ગયું છે.
ઓસ્ટ્રેલિયા પ્રથમ નંબર પર છે જેને અત્યાર સુધી તમામ 3 મેચ જીતી છે અને તેની જીતની ટકાવારી 100% છે. ભારત ચોથા નંબર પર છે અને તેની જીતની ટકાવારી 33.33% છે.
ઇંગ્લેન્ડ 22 રનથી લૉર્ડ્સ ટેસ્ટ જીત્યું હતું
લૉર્ડ્સ ટેસ્ટના પાંચમા દિવસે ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 170 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.ઇંગ્લેન્ડે 193 રનનો પડકાર આપ્યો હતો. પ્રથમ સેશનમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે રિષભ પંત,કેએલ રાહુલ અને વોશિંગ્ટન સુંદરને જલદી આઉટ કરતા ભારત મુશ્કેલીમાં આવ્યું હતું.
તે બાદ રવિન્દ્ર જાડેજા અને નીતિશ કુમાર રેડ્ડી વચ્ચે એક સારી ભાગીદારી થઇ હતી પરંતુ લંચ પહેલા ક્રિસ વોક્સે રેડ્ડીને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો.ભારત લંચ સુધી 112/8 પર પહોંચી ગયું હતું.
બીજા સેશનમાં રવિન્દ્ર જાડેજાને જસપ્રીત બુમરાહનો સાથ મળ્યો હતો. બુમરાહ અને જાડેજા વચ્ચે 35 રનની ભાગીદારી થઇ હતી પરંતુ બુમરાહ એક મોટો શોટ ફટકારવાના પ્રયાસમાં આઉટ થયો હતો.તે બાદ મોહમ્મદ સિરાજ ક્રિઝ પર આવ્યો હતો અને જાડેજાનો સાથ આપ્યો હતો. જાડેજાએ અડધી સદી ફટકાર્યા બાદ પણ ટીમને જીત અપાવવા માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
ત્રીજા સેશનમાં ભારતની જીતની આશા જાગી હતી પરંતુ ઓફ સ્પિનર શોએબ બશીરે મોહમ્મદ સિરાજને બોલ્ડ કરતા ઇંગ્લેન્ડ 22 રને મેચ જીતી ગયું હતું.

