ICC ટેસ્ટ રેન્કિંગમાં કોહલી-જયસ્વાલે લગાવી લાંબી છલાંગ, પાકિસ્તાનના બાબર આઝમથી નીકળ્યા આગળ
તાજેતરની ICC રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ નંબર-1 પર ય

તાજેતરની ICC રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ નંબર-1 પર યથાવત છે. તેમજ ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન બીજા સ્થાને છે. જ્યારે કિવી બેટ્સમેન ડેરીલ મિશેલ ત્રીજા નંબર પર છે. આ સિવાય ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુકને લેટેસ્ટ રેન્કિંગમાં 3 સ્થાનનો ફાયદો થયો છે. હવે હેરી બ્રુકે ચોથા સ્થાન પર કબજો જમાવ્યો છે. જોકે, બાંગ્લાદેશ સામેના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાનના બાબર આઝમના રેન્કિંગમાં ઘટાડો થયો છે. આ પહેલા બાબર આઝમ ICC ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને હતો, પરંતુ હવે તે 9મા સ્થાને સરકી ગયો છે.
વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને ફાયદો
જ્યારે ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલને ફાયદો થયો છે. વિરાટ કોહલીને 2 સ્થાનનો ફાયદો થયો છે. જ્યારે યશસ્વી જયસ્વાલે રેન્કિંગમાં 1 સ્થાનની છલાંગ લગાવી છે. પહેલા વિરાટ કોહલી 10મા નંબર પર હતો, પરંતુ હવે તે 8મા નંબર પર પહોંચી ગયો છે. ભારતીય ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ 8મા સ્થાને હતો, પરંતુ હવે તે તાજેતરની રેન્કિંગમાં 7મા સ્થાને આવી ગયો છે.
ટોપ-3માં સામેલ 3 ભારતીય બેટ્સમેન
ICC ટેસ્ટ રેન્કિંગના ટોપ-10માં 3 ભારતીય બેટ્સમેન સામેલ છે. જેમાં વિરાટ કોહલી આઠમા સ્થાને, યશસ્વી જયસ્વાલ સાતમા સ્થાને અને રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે. જ્યારે પાકિસ્તાન સામે 191 રનની શાનદાર ઇનિંગ રમનાર બાંગ્લાદેશના બેટ્સમેન મુશફિકુર રહીમને રેન્કિંગમાં ફાયદો થયો છે. હવે મુશફિકુર રહીમ ICC ટેસ્ટ રેન્કિંગમાં 17મા સ્થાને પહોંચી ગયો છે. અગાઉ તે 25માં નંબર પર હતો. આ રીતે બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેને 7 સ્થાનની છલાંગ લગાવી છે.






