VIDEO / પ્રથમ જ ઓવરમાં બુમરાહનો જાદુ, સ્વિંગથી ટોમ લેથમની સ્ટમ્પ ઉડાવી; બેટ્સમેન પોતે પણ ચોંકી ગયો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. ટોસ જીતીને ભારતીય કેપ્ટન શુભમન ગિલે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આ નિર્ણયને યોગ્ય સાબિત કરતા ન્યુઝીલેન્ડના કેપ્ટન ટોમ લેથમને 'જાદુઈ બોલ' પર ક્લીન બોલ્ડ કર્યો.
પહેલી ઓવરમાં બુમરાહનો ઘાતક બોલ
મેચની પહેલી ઓવરના ત્રીજા બોલ પર રસપ્રદ નજારો જોવા મળ્યો હતો. બુમરાહે ઓફ સ્ટમ્પની આસપાસ લેન્થ બોલ ફેંક્યો હતો. લેથમને લાગ્યું કે બોલ તેની દિશા પ્રમાણે બહાર નીકળી જશે. આ વિશ્વાસ સાથે તેણે બોલને છોડી દીધો અને બેટનહતું લગાવ્યું.
સ્વિંગથી બોલ સીધો સ્ટમ્પમાં લાગ્યો
પરંતુ બોલે અચાનક પોતાની દિશા બદલી નાખી હતી. બોલની સ્વિંગ દિશા ફાઈન લેગ તરફ હતી અને પિચ પર પડ્યા બાદ તે અંદરની તરફ આવ્યો હતો. જોતજોતામાં બોલ ઓફ સ્ટમ્પ સાથે અથડાયો હતો અને લેથમને પેવેલિયન પરત ફરવું પડ્યું. આ રીતે ન્યુઝીલેન્ડને માત્ર 2 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો.
કીટન જેનિંગ્સની વિકેટ સાથે થઈ સરખામણી
કોમેન્ટ્રી દરમિયાન બુમરાહના આ બોલની સરખામણી વર્ષ 2018માં કીટન જેનિંગ્સને પડેલા એક આવા જ બોલ સાથે કરવામાં આવી હતી. તે બોલ પર જેનિંગ્સ LBW આઉટ થયો હતો. બુમરાહના આ શાનદાર સ્પેલનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. સોની લિવે પણ આ બોલને લઈને ખાસ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે મેચની પ્રથમ જ ઓવરમાં એવો બોલ જોવા મળ્યો છે, જે મેચના સર્વશ્રેષ્ઠ બોલ બનવાનો દાવેદાર છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ભારત: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
ન્યુઝીલેન્ડ: ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકલ્સ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાયલ જેમિસન, મેટ હેનરી અને જેકબ ડફી.












