VIDEO / પાકિસ્તાની કેપ્ટન સાથે કેક કાપતો જોવા મળ્યો તિલક વર્મા, રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ પહેલા વાયરલ થઈ ક્લિપ

ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો હંમેશા રોમાંચ અને તણાવથી ભરેલો રહ્યો છે. બંને દેશો વચ્ચેની હરીફાઈ જગજાહેર છે. સપ્ટેમ્બર 2025માં રમાયેલા એશિયા કપ દરમિયાન આ વિવાદ વધુ ઘેરો બન્યો હતો. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો પણ ઇનકાર કર્યો હતો. પરંતુ હાલમાં ઈન્ડિયા A ટીમની કમાન સંભાળી રહેલો યુવા બેટર તિલક વર્મા રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 ટુર્નામેન્ટ પહેલા યોજાયેલા સત્તાવાર ફોટોશૂટ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સહિત અન્ય ટીમોના કેપ્ટનો સાથે હસતા અને વાતો કરતા જોવા મળ્યો હતા. ઉપરાંત કેક કટિંગ પણ કર્યું હતું. જેની તસવીરો અને વીડિયો વાયરલ થતાં કેટલાક લોકો તિલક વર્માને ટ્રોલ પણ કરી રહ્યા છે.
કેક કટિંગ સેરેમનીમાં તમામ કેપ્ટનો એક મંચ પર
કતારમાં યોજાયેલા આ ખાસ ફોટોશૂટ દરમિયાન ટુર્નામેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમોના કેપ્ટનો એક મંચ પર એકત્ર થયા હતા. રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કેક કટિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય કેપ્ટન તિલક વર્માએ અન્ય કેપ્ટનો સાથે મળીને હસતા-મુખે કેક કાપ્યો હતો અને કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા.
સોશિયલ મીડિયા પર તિલક વર્માની તસવીરોની ચર્ચા
આ વીડિયો અને તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એક તરફ ફેન્સ સિનિયર ટીમ અને અંડર-19 ટીમના કડક વલણને યાદ કરી રહ્યા છે, તો બીજી તરફ આ મિત્રતાભર્યું વાતાવરણ જોઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રમતના મેદાનની બહાર રહેલી કડવાશને આ રીતે નજરઅંદાજ કરવી જોઈએ?
હાથ નહીં મિલાવવાના નિર્ણય પાછળ રાજકીય કારણો
એશિયા કપમાં ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું હતું કે આ નિર્ણય BCCI અને ભારત સરકારના નિર્દેશો હેઠળ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય પાછળ 2025માં થયેલો પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર જેવી સંવેદનશીલ ઘટનાઓ મુખ્ય કારણ હતા.
અંડર-19 ટીમે પણ પાકિસ્તાનથી અંતર જાળવ્યું હતું
આ ઉપરાંત, તાજેતરમાં ભારતીય અંડર-19 ટીમે પણ પાકિસ્તાનને હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. જીત બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓથી અંતર જાળવ્યું હતું અને તેમની સાથે હાથ પણ મિલાવ્યા નહોતા. જોકે, આ બધાની વચ્ચે કતારમાં યોજાનારા 'રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026' પહેલા એક એવી તસવીર સામે આવી છે, જેણે ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે.
મેદાન પર ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર
ફોટોશૂટ દરમિયાન બંને દેશોના કેપ્ટન એકસાથે ખુશખુશાલ જોવા મળ્યા હોય, પરંતુ કતારના મેદાન પર જ્યારે બંને ટીમો સામસામે ઉતરશે ત્યારે માહોલ સંપૂર્ણપણે અલગ હશે. ઈન્ડિયા A ટીમના કેપ્ટન તરીકે તિલક વર્મા પર મોટી જવાબદારી રહેશે. ટીમમાં અનેક પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ સામેલ છે, જેઓ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય સિનિયર ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માંગે છે.








