KKRમાં શાહરુખ ખાનને મળશે નવો ભાગીદાર; 22.5% હિસ્સો ખરીદવાની વિદેશી કંપનીની તૈયારી

KKRમાં શાહરુખ ખાનને મળશે નવો ભાગીદાર; 22.5% હિસ્સો ખરીદવાની વિદેશી કંપનીની તૈયારી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

બોલિવૂડના 'કિંગ' શાહરુખ ખાનની IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) હાલ માલિકી હકમાં થનારા મોટા ફેરફારને કારણે ચર્ચામાં છે. આ ટીમના સહ-માલિક જય મહેતા પોતાનો અડધો હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યા છે, જેના પરિણામે શાહરુખ ખાનને ટીમમાં નવા ભાગીદાર મળશે. હાલમાં જય મહેતા પાસે ટીમનો 45% હિસ્સો છે, જેમાંથી 22.5% હિસ્સો તેઓ અમેરિકન કંપની 'એરેસ મેનેજમેન્ટ' (Ares Management)ને 400 મિલિયન ડોલરમાં વેચવા જઈ રહ્યા છે. બુધવારે સામે આવેલા ક્રિકબઝના એક અહેવાલમાં આ મોટા સોદાનો ખુલાસો થયો છે.

જય મહેતાએ અડધી ભાગીદારી વેચવાનો કર્યો નિર્ણય

જાહેરાત

બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાના પતિ જય મહેતા શાહરુખ ખાન સાથે KKRના સહ-માલિક તરીકે જોડાયેલા છે. ટીમમાં રહેલી પોતાની 45% ભાગીદારીમાંથી અડધો હિસ્સો એટલે કે 22.5% શેર વેચવા માટે તેમણે અમેરિકા સ્થિત ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ સાથે સોદો કર્યો છે. અહેવાલ અનુસાર, આ 22.5% હિસ્સાની કિંમત અંદાજે 400 મિલિયન ડોલર (આશરે 3,736.43 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. આ સોદાના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે KKRની કુલ બજાર કિંમત 1.78 બિલિયન ડોલર (16,634 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે.

BCCIની મંજૂરી બાદ બદલાશે માલિકીનું ગણિત

અત્યાર સુધી KKRમાં જય મહેતા પાસે 45% અને શાહરુખ ખાન પાસે બાકીનો 55% હિસ્સો રહ્યો છે. શાહરુખ ખાનનો 55% હિસ્સો યથાવત રહેશે, પરંતુ જય મહેતાના શેર વેચાતા જ ટીમમાં નવા પાર્ટનરનો પ્રવેશ થશે. જય મહેતા અને એરેસ મેનેજમેન્ટ વચ્ચેનો આ સમગ્ર વ્યવહાર કેશ ટ્રાન્ઝેક્શનમાં થવાનો છે. જોકે, આ સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ઔપચારિક મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે, જે પોતાના નિયમો મુજબ સમગ્ર પ્રક્રિયાની ચકાસણી (ડ્યુ ડિલિજન્સ) કરશે.

કોણ છે KKRમાં રોકાણ કરનાર એરેસ મેનેજમેન્ટ

એરેસ મેનેજમેન્ટ એ અમેરિકાની એક જાણીતી ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે, જે વૈશ્વિક સ્તરે રમતગમતની ટીમોમાં રોકાણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. KKR પહેલાં પણ આ કંપનીએ પ્રીમિયર લીગની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ ચેલ્સી FC અને નેશનલ ફૂટબોલ લીગની ફ્રેન્ચાઈઝી મિયામી ડોલ્ફિન્સ સહિતની ઘણી મોટી સ્પોર્ટ્સ ટીમોમાં રોકાણ કર્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત