IND-A vs SL-A / શ્રીલંકા સામેની ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, યુવરાજ સિંહનો 19 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

ટ્રાઈ નેશન સિરીઝની ફાઈનલમાં ઈન્ડિયા-A ટીમ શ્રીલંકા સામે ટકરાઈ રહી છે. વૈભવ સૂર્યવંશીએ આ મેચમાં પોતાની બેટિંગથી ધમાલ મચાવી દીધી છે. સૂર્યવંશીએ માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી. આ વિસ્ફોટક ઈનિંગથી વૈભવે યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. યુવરાજે 2007ના T20 વર્લ્ડ કપમાં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. વૈભવે આખરે તેને પાછળ છોડી દીધો છે.
વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં અડધી સદી ફટકારી
ટ્રાઈ નેશન સિરીઝની ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીનું એક અલગ જ રૂપ જોવા મળ્યું. તેણે શ્રીલંકા-A સામે પહેલા બોલથી જ મોટા શોટ રમવાનું શરૂ કર્યું. સૂર્યવંશીએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ શરૂ કર્યો અને 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. સૂર્યવંશીએ 454.6ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, જેમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. ટ્રાઈ નેશન સિરીઝમાં સૂર્યવંશીનું બેટ શાંત રહ્યું હતું, પરંતુ ફાઈનલમાં તેણે પોતાની વિસ્ફોટક ઈનિંગથી બધાને યોગ્ય જવાબ આપ્યો.
યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો
યુવરાજ સિંહે 12 બોલમાં અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 2007ના T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. આ પછી, ઘરેલુ ક્રિકેટમાં આશુતોષ શર્માએ 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમની જર્સીમાં અડધી સદી ફટકારનાર સૌથી ઝડપી ખેલાડી બન્યો છે. તેણે 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
324ના સ્ટ્રાઈક રેટથી 94 રન ફટકારી આઉટ થયો વૈભવ
વૈભવની આ આક્રમક બેટિંગ અહીં જ ન અટકી, તેણે માત્ર 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી, જેમાં 5 છગ્ગા અને 5 ચોગ્ગા સામેલ હતા. વૈભવ સૂર્યવંશી કમનસીબે પોતાની સદી ચૂકી ગયો હતો અને 29 બોલમાં 94 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને આઉટ થયો હતો. આ ઈનિંગ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 324નો હતો અને તેણે કુલ 10 ચોગ્ગા તથા 8 છગ્ગા ફટકાર્યા હતા. તેને શ્રીલંકન કેપ્ટન સહાન અરાચિગેએ આઉટ કર્યો હતો.
વૈભવ સૂર્યવંશી ટૂંક સમયમાં ભારતીય ટીમ માટે ડેબ્યુ કરશે
વૈભવ સૂર્યવંશીને IPL 2026માં પ્રભાવશાળી પ્રદર્શન બાદ ભારતીય T20 ટીમમાં કોલ-અપ મળ્યું. તે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે. તેના વર્તમાન ફોર્મને જોતાં, તેને ભારતીય ટીમ માટે ડેબ્યુ કરવાની તક મળી શકે છે. આયર્લેન્ડ સામેની બે મેચની T20 સિરીઝ 26 જુલાઈથી શરૂ થશે. વૈભવને અહીં તક મળી શકે છે.

