IND vs AFG / ત્રીજી ODIમાં આવ્યું રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલનું તોફાન, બંને ખેલાડીઓએ તોડ્યા આ રેકોર્ડ્સ

ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી ODIમાં યશસ્વી જયસ્વાલે મેચવિનિંગ ઈનિંગ રમવાની સાથે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો છે. જયસ્વાલ માત્ર 6 ઈનિંગમાં બે ODI સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બેટ્સમેન બન્યો છે. જેમાં યશસ્વીએ માત્ર 86 બોલમાં 110 રનની ધમાકેદાર અણનમ ઈનિંગ રમી હતી. જ્યારે જયસ્વાલની સાથે-સાથે રોહિત શર્માએ પણ 69 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકારી 79 રન બનાવીને અનેક રેકોર્ડ તોડ્યા છે.
સદી ફટકારવામાં જયસ્વાલ નંબર 1 બેટ્સમેન
યશસ્વી જયસ્વાલને આ સિરીઝની પહેલી મેચમાં રમવાની તક નહતી મળી. તે બીજી મેચમાં સસ્તામાં પવેલિયન પાછો ફર્યો હતો. જોકે, આ મેચમાં તેણે 219 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે શાનદાર ઈનિંગ રમી હતી. જયસ્વાલ શરૂઆતથી જ ફોર્મમાં દેખાતો હતો અને 83 બોલમાં સદી પૂરી કરી હતી. આ સાથે તે ભારતીય ODI ક્રિકેટમાં સૌથી ઝડપી બે સદીનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અગાઉ આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો.
ઉલ્લેખનીય છે કે, શિખર ધવનને આ સિદ્ધિ મેળવવા માટે સાત ઈનિંગ્સ લાગી હતી, પરંતુ યશસ્વીએ એક ઈનિંગ ઓછી રમીને રેકોર્ડ નોંધાવ્યો હતો. આમાં, કેદાર જાધવ નવ ઈનિંગ્સ રમીને ત્રીજા સ્થાને છે. જ્યારે વિરાટ કોહલી 17 ઈનિંગ્સ રમીને ચોથા સ્થાને છે અને શુભમન ગિલ 18 ઈનિંગ્સ રમીને પાંચમા સ્થાને છે. યશસ્વી જયસ્વાલને ODI ફોર્મેટમાં ઓછી તકો મળી હશે, પરંતુ તે તેનો મહત્તમ ઉપયોગ કરી રહ્યો છે. આ 6 ઈનિંગ્સમાં તેણે 71.25ની એવરેજ અને 97.60ની સ્ટ્રાઇકિંગ સાથે 285 રન બનાવ્યા છે.
રોહિત શર્માએ પણ તોડ્યા અનેક રેકોર્ડ
રોહિત શર્માએ પણ 69 બોલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકારી 79 રન બનાવીને અનેક રેકોર્ડ તોડ્યા છે. રોહિત માટે ODI ઈનિંગનો આ 95મો મોકો હતો, જેમાં તેણે 50 કે તેથી વધુ રન બનાવ્યા હોય. આ ઈનિંગ સાથે રોહિતે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડને પાછળ છોડી દીધો હતો. દ્રવિડે ODI ક્રિકેટમાં 94 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે. ભારત માટે રોહિતથી વધુ ફિફ્ટી પ્લસ સ્કોર સચિન તેંડુલકર (145 વખત) અને વિરાટ કોહલી (131 વખત) એ બનાવ્યો છે.
આ 71મો મોકો હતો જ્યારે રોહિત શર્મા ODIમાં 100 કે તેથી વધુ રનની પાર્ટનરશિપનો ભાગ બન્યો હોય. રોહિતથી વધારે પાર્ટનરશિપમાં 100 કે તેથી વધુ રન કરવામાં ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ (72 વખત), વિરાટ કોહલી (86 વખત) અને સચિન તેંડુલકર (99 વખત) નો સમાવેશ થાય છે. જેમાં કુમાર સંગાકારા પાંચમા ક્રમે છે, તેઓ ODIમાં 67 વખત 100 રનની પાર્ટનરશિપનો ભાગ રહ્યા છે.

