Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : USA qualifies for knockout stage of FIFA world cup 2026

FIFA 2026 / અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો ઈતિહાસ, 96 વર્ષ બાદ કર્યું આ મોટું કારનામું

Timeછેલ્લું અપડેટ : 21 Jun 2026
લાઇવ ટીવીGoogle News
FIFA 2026 / અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને રચ્યો ઈતિહાસ, 96 વર્ષ બાદ કર્યું આ મોટું કારનામું
સોર્સ : GSTV

ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચક મુકાબલાઓ વચ્ચે અમેરિકાની ફૂટબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરીને નોકઆઉટ સ્ટેજમાં પોતાની જગ્યા પાકી કરી લીધી છે. અમેરિકાએ ઓસ્ટ્રેલિયાને 2-0થી પરાજય આપીને સત્તાવાર રીતે ‘રાઉન્ડ ઓફ 32’ માં પ્રવેશ મેળવ્યો છે. આ ટુર્નામેન્ટમાં સહ-યજમાન મેક્સિકો પછી નોકઆઉટ સ્ટેજની ટિકિટ મેળવનારો અમેરિકા બીજો દેશ બન્યો છે.

App Store

સિયાટલ સ્ટેડિયમ ખાતે 20 જૂન 2026ના રોજ રમાયેલી આ ઐતિહાસિક મેચમાં જીત મેળવવાની સાથે જ અમેરિકાની ટીમે 96 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. વર્ષ 1929 પછી આ પ્રથમ વખત બન્યું છે જ્યારે અમેરિકાએ ફિફા વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત બે મેચ જીતવાનું અદ્ભુત કારનામું કરી બતાવ્યું હોય.

ઓસ્ટ્રેલિયાને એકતરફી મેચમાં આપી માત

મેચની શરૂઆતથી જ અમેરિકાની ટીમે ઓસ્ટ્રેલિયા સામે અત્યંત આક્રમક રણનીતિ અપનાવીને વિરોધી ટીમ પર સતત દબાણ જાળવી રાખ્યું હતું. અમેરિકાને મેચનો પ્રથમ ગોલ કરવામાં માત્ર 11 મિનિટનો સમય લાગ્યો હતો.

ટીમના સ્ટાર ખેલાડી ફોલારિન બાલોગુન ઓસ્ટ્રેલિયાની ડિફેન્સ લાઈનને કતરીને પેનલ્ટી એરિયામાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન તેના શોટને રોકવાના ચક્કરમાં ઓસ્ટ્રેલિયાના ડિફેન્ડર કેમરન બર્ગેસ મોટી ભૂલ કરી બેઠો અને બોલ તેના જ ગોલ પોસ્ટમાં ચાલી ગયો. આ સેલ્ફ-ગોલના કારણે અમેરિકાને 11મી મિનિટે જ 1-0ની મહત્ત્વપૂર્ણ લીડ મળી ગઈ હતી.

શરૂઆતમાં જ ગોલ ખાધા પછી ઓસ્ટ્રેલિયાની ટીમે વાપસી માટે આકાશ-પાતાળ એક કર્યા હતા, પરંતુ તેઓ અમેરિકાના અભેદ ડિફેન્સને ભેદી નહતા શક્યા. પ્રથમ હાફ પૂરો થવાની બરાબર 2 મિનિટ પહેલા એટલે કે મેચની 43મી મિનિટે અમેરિકાના સર્જિનો ડેસ્ટે એક પાવરફુલ શોટ ફટકાર્યો હતો. આ શોટ સીધો ગોલ પોસ્ટમાં નહતો ગયો, પરંતુ ત્યાં હાજર એલેક્સ ફ્રીમેને શાનદાર હેડર લગાવીને તેને ગોલમાં ફેરવી દીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે આ ગોલ સામે રિવ્યૂ (VAR) લીધો હતો, પરંતુ રેફરીએ ઓસ્ટ્રેલિયાની અપીલ ફગાવીને ગોલ યથાવત રાખ્યો હતો. આ સાથે પ્રથમ હાફના અંતે અમેરિકા 2-0થી આગળ થઈ ગયું હતું.

બીજા હાફમાં ડિફેન્સિવ રમત

બીજા હાફમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કમબેક કરવા માટે ઘણા આક્રમક હુમલા કર્યા હતા, પરંતુ અમેરિકાના મજબૂત ડિફેન્સે ઓસ્ટ્રેલિયાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. બીજા હાફ દરમિયાન બંને ટીમો તરફથી એક પણ ગોલ નહતો નોંધાયો અને મેચ 2-0ના સ્કોર સાથે અમેરિકાના પક્ષમાં પૂરી થઈ હતી.

96 વર્ષ બાદ સતત બે મેચમાં વિજય

આ ઐતિહાસિક જીત સાથે અમેરિકા નોકઆઉટ સ્ટેજમાં પહોંચી ગયું છે. આ પહેલા 13 જૂનના રોજ રમાયેલી મેચમાં અમેરિકાએ પરાગ્વેને 4-1થી કારમો પરાજય આપ્યો હતો. આમ, વર્લ્ડ કપમાં સતત બે જીત મેળવીને અમેરિકાએ નવો ઈતિહાસ લખ્યો છે.

ગ્રુપ Dમાં ટોપ પર રહેવાનો પડકાર

સતત બે શાનદાર જીત મેળવ્યા હોવા છતાં અમેરિકાની ટીમ ગ્રુપ Dમાં ટોપ પર જ રહેશે તે હજુ સંપૂર્ણ નક્કી નથી. ગ્રુપમાં સત્તાવાર રીતે ટોચનું સ્થાન જાળવી રાખવા માટે અમેરિકાએ તેની આગામી છેલ્લી લીગ મેચમાં તુર્કિયે સામે ઓછામાં ઓછી મેચ ડ્રો રમવી પડશે, અથવા તો પરાગ્વે સામે તુર્કિયેની ટીમ હારી જાય તેવી પરિસ્થિતિ પર નિર્ભર રહેવું પડશે.

હાલમાં અમેરિકાની ટીમ 6 પોઇન્ટ સાથે ગ્રુપ Dના પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે. હવે 26 જૂને અમેરિકાની ટીમ ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી અને નિર્ણાયક મેચ તુર્કિયે સામે રમશે.