લક્ષ્ય સેને ટાઈટલનો દુકાળ કર્યો સમાપ્ત, જોનાથન ક્રિસ્ટીને હરાવી જીત્યો હાયલો ઓપનનો ખિતાબ

લક્ષ્ય સેન ઘણી મેચ જીતે છે, પરંતુ તેની રમવાની શૈલી ઘણીવાર દર્શકોને પરેશાન કરી દે છે. તે શરૂઆતમાં 18-10ની લીડ બનાવી લે છે, પરંતુ ત્યારબાદ થોડી બેદરકારી દાખવે છે અને આશા રાખે છે કે પોઈન્ટ સરળતાથી મળતા રહેશે. ક્યારેક તો એવું લાગે છે કે જાણે તેણે રમતની વચ્ચે જ સ્નુઝ બટન દબાવી દીધું હોય. ત્યારબાદ જ્યારે સ્કોર 18-17 જેવી મુશ્કેલ સ્થિતિમાં પહોંચી જાય છે, ત્યારે તે અચાનક સક્રિય થઈને અંતિમ પોઈન્ટ્સ ઝડપથી મેળવી લે છે. આ જોઈને દર્શકો વિચારતા રહી જાય છે કે રમતની વચ્ચે તે અચાનક ધીમો કેમ પડી ગયો હતો.
ભારતના વર્લ્ડ નંબર-14 બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને રવિવારે જર્મનીમાં યોજાયેલી હાયલો ઓપન ટુર્નામેન્ટ જીતીને આ સિઝનમાં પોતાના ટાઈટલના દુકાળનો અંત લાવ્યો હતો. તેણે ફાઈનલમાં જોનાથન ક્રિસ્ટીને 21-17, 21-10થી હરાવ્યો હતો.
મેચના પ્રથમ સેટમાં લક્ષ્યની આળસભરી રમત જોવા મળી હતી. જોકે, જોનાથન ક્રિસ્ટીનું ફોર્મ પણ ઘણું નબળું રહ્યું છે. જ્યારે સ્કોર 17-18 થયો, ત્યારે તે દબાણમાં આવી ગયો હતો. તેણે નેટ પાસે સરળતાથી જીતી શકાય એવા પોઈન્ટ્સ મેળવવાની ભૂલો કરી અને શટલને કોર્ટની બહાર ફટકારી દીધું. લક્ષ્યની મજબૂત ડિફેન્સ સામે તે પોતાની રમત સુધારી શક્યો નહોતો.
લક્ષ્યની રમતમાં વચ્ચે-વચ્ચે આવતી આળસને બાદ કરતાં તેણે શાનદાર શોટ્સ રમ્યા હતા. તેનો હોપ-સ્મેશ બુલેટની ઝડપે વિરોધી તરફ જતો હતો. નેટ પાસે તેની ઝડપી હિલચાલ પણ જોવા જેવી હતી. તેણે ક્રિસ્ટીને એવી મુશ્કેલ સ્થિતિમાં મૂક્યો કે ઈન્ડોનેશિયાના ખેલાડીએ નેટ પાસે અને કોર્ટની બાઉન્ડરી પાસે શોટ રમતી વખતે વારંવાર ભૂલો કરી.
ઈન્ડોનેશિયાનો આ ખેલાડી વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને છે અને કોર્ટના ખૂણામાં ચોકસાઈપૂર્વક શોટ મારવા માટે જાણીતો છે. જોકે, આ મેચમાં તે સતત પોતાની લય શોધવા માટે સંઘર્ષ કરતો રહ્યો.
મેચ જીત્યા બાદ લક્ષ્ય સેને બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) ને કહ્યું, "ધૈર્ય જાળવી રાખવું ખૂબ જ જરૂરી હતું. મેં સારી શરૂઆત કરી હતી અને લીડ મેળવી હતી. મારા માટે શટલને યોગ્ય લંબાઈ સાથે ઊંચું ઉછાળવું અને તેના સ્મેશને નિયંત્રિત કરવું જરૂરી હતું. આજે પણ ફ્લેટ ડ્રાઇવ્સમાં હું તેનો ફાયદો ઉઠાવી રહ્યો હતો. સારી લિફ્ટ આપવી અને સ્થિરતાથી રમવું મહત્ત્વપૂર્ણ હતું."
ડ્રાઈવ શોટ્સ રમતી વખતે જોનાથન ક્રિસ્ટીની નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. તેના ઘણા શોટ્સ નેટમાં અટવાઈ જતા હતા અને તે આ મુશ્કેલીમાંથી બહાર નહતો આવી શકતો. બીજી તરફ, લક્ષ્યના ઊંચા લિફ્ટ શોટ્સને કારણે ક્રિસ્ટીના સ્મેશની અસર ઓછી થઈ ગઈ હતી.
આ મેચ પહેલા લક્ષ્ય અને ક્રિસ્ટી વચ્ચેની હેડ-ટુ-હેડ ટક્કરમાં ક્રિસ્ટી 4-3થી આગળ હતો. જોકે, ઓલિમ્પિકમાં લક્ષ્ય સામે મળેલી કારમી હાર બાદ તે હજુ સુધી સંપૂર્ણ રીતે બહાર નથી આવી શક્યો. ક્રિસ્ટીની સાતત્યપૂર્ણ રમત તેને ટુર્નામેન્ટમાં આગળ સુધી પહોંચવામાં મદદ કરે છે, પરંતુ આ વર્ષે તે ખિતાબ જીતવામાં નિષ્ફળ રહ્યો છે. બીજી તરફ, ઈન્ડોનેશિયાની બેડમિન્ટન પ્રતિભાઓમાંથી અલ્વી ફરહાન અને ઉબૈદિલ્લાહ જેવા ખેલાડીઓ ઉભરી રહ્યા છે.
મોટી રાહત
શનિવારે સેમીફાઈનલમાં લક્ષ્યે ટોમા પોપોવને સરળતાથી હરાવ્યો હતો. જોકે, ફાઈનલમાં તે એટલો આક્રમક નહતો દેખાયો. તેમ છતાં, રમતની વચ્ચે આવતી તેની લાક્ષણિક સુસ્તી છતાં તેણે મેચ જીતીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.
લક્ષ્ય સેને કહ્યું, "મેં લાંબા સમયથી કોઈ ટુર્નામેન્ટ નહતી જીતી, તેથી આ જીત ખૂબ જ સારી લાગી રહી છે. આ ટુર્નામેન્ટની છેલ્લી બે મેચમાં મારા પ્રતિસ્પર્ધીઓ ખૂબ જ સારા હતા અને હું તેમને સારા અંતરથી હરાવવામાં સફળ રહ્યો. તેથી, હું મારી રમતથી ખુશ છું."
આ લક્ષ્યની કારકિર્દીનો સાતમો ખિતાબ હતો. સંયોગની વાત એ છે કે પી.વી. સિંધુએ પણ અગાઉ પોતાની કારકિર્દીમાં સાત ખિતાબ જીત્યા હતા. લક્ષ્યે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા બાદ પ્રથમ વખત કોઈ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે.
તેણે અગાઉ 2021માં પણ હાયલો ઓપનનો ખિતાબ જીત્યો હતો. જોકે, આ વખતે મળેલી જીત તેના માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચ્યા બાદ આ વર્ષે તેને ટૂર પર મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. તે આઠ વખત પ્રથમ રાઉન્ડમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
આ બધું માત્ર આઠ મહિનામાં બન્યું હતું, પરંતુ લક્ષ્ય માટે આ સમય કોઈ દુઃસ્વપ્નથી ઓછો નહતો. તેને કેટલીક એવી હારનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી તેનો આત્મવિશ્વાસ પણ ડગમગી ગયો હતો.
લક્ષ્યે કહ્યું, "પ્રથમ રાઉન્ડમાં મળેલી બે-ત્રણ હાર પણ તમારા આત્મવિશ્વાસ પર અસર કરે છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડથી જ મેં જે રીતે પ્રદર્શન કર્યું, તેનાથી મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો. આ ટુર્નામેન્ટમાં આવતા પહેલા મારું પ્રદર્શન ખાસ સારું નહતું. તેમ છતાં, મેં એક સમયે એક જ મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો. મારે મારી લય શોધીને તેને જાળવી રાખવાની હતી. છેલ્લી બે મેચમાં હું તે કરવામાં સફળ રહ્યો."
ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં પોતાના પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં લક્ષ્યે સ્વીકાર્યું કે તે સમયે તેની ફિટનેસ અને શારીરિક સ્થિતિ વધુ સારી હતી.
તેણે કહ્યું, "તે સમયે હું શારીરિક રીતે વધુ સારી સ્થિતિમાં હતો અને મારી રમત પણ મારી શ્રેષ્ઠ ક્ષમતાની નજીક હતી. ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપ એવી ટુર્નામેન્ટ છે, જેમાં હું ઘણી વખત ખિતાબની ખૂબ નજીક પહોંચ્યો છું, પરંતુ તેને જીતી નથી શક્યો. જોકે, તે અઠવાડિયા માટે અમારી પ્રેરણા હંમેશા વધારે હોય છે. છેલ્લી વખત પણ હું ખૂબ જ પ્રેરિત હતો અને ખિતાબ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યો હતો. આજે પણ લાંબા સમય બાદ સતત બે મેચમાં આટલું સારું રમ્યો હોવાથી હું ખિતાબ જીતવા માટે મક્કમ હતો." હાયલો ઓપનનો ખિતાબ જીત્યા બાદ લક્ષ્ય હવે પાંચ દિવસના વિરામ સાથે સારા મૂડમાં છે.
તેણે કહ્યું, "હવે હું ભારત પાછો જઈ રહ્યો છું. યુરોપમાં ચાર અઠવાડિયાં વિતાવ્યા છે. હવે પાંચ દિવસ માટે ઘરે જવા અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મારા પરિવારના સભ્યો પણ ઉજવણી માટે ઘરે આવશે. અમે નવા ઘરમાં પણ રહેવા જઈ રહ્યા છીએ, જે મારા માતા-પિતા માટે ખૂબ જ ખાસ બાબત છે. તેથી, આ વખતે દિવાળીની સાથે નવા ઘરમાં ગૃહપ્રવેશની મોટી ઉજવણી પણ થશે."








