T20 World Cup / 5 ખેલાડીઓને ભારતીય સ્કવોડમાં જગ્યા મળવી મુશ્કેલ, 3 તો હતા 2024ની ચેમ્પિયન ટીમનો ભાગ
જેમ જેમ 2025 સમાપ્ત થઈ રહ્યું છે, તેમ તેમ 2026 T20 વર્લ્ડ કપની રાહ પણ ઓછી થઈ રહી છે. આવતા

જેમ જેમ 2025 સમાપ્ત થઈ રહ્યું છે, તેમ તેમ 2026 T20 વર્લ્ડ કપની રાહ પણ ઓછી થઈ રહી છે. આવતા વર્ષે T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાશે. ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે, તેણે 2024ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
2024ના T20 વર્લ્ડ કપ પછી રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20Iમાંથી નિવૃત્તિ લીધી, તેથી તેઓ આવતા વર્ષના વર્લ્ડ કપમાં નહીં રમે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ સહિત કેટલાક ખેલાડીઓનું ટીમમાં સ્થાન નિશ્ચિત લાગે છે. પરંતુ 5 એવા ખેલાડીઓ છે જેમને ભારતીય સ્કવોડમાં સ્થાન મળ્યું મુશ્કેલ લાગે છે. તમને આશ્ચર્ય થશે કે આ 5 ખેલાડીઓમાંથી 3 ખેલાડીઓ 2024ના T20 વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમનો ભાગ હતા.
યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલ 2024ના T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતો. જોકે, તેને એક પણ મેચ રમવાની તક નહતી મળી. તેની T20I કારકિર્દીમાં તેણે અત્યાર સુધીમાં 23 મેચોમાં 723 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. જયસ્વાલે છેલ્લી T20I 30 જુલાઈ, 2024ના રોજ રમી હતી. તે લગભગ દોઢ વર્ષથી T20I ટીમની બહાર છે. જયસ્વાલ ઈનિંગ ઓપન કરે છે, પરંતુ વર્તમાન ભારતીય ટીમમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનર હોવાથી જયસ્વાલ માટે જગ્યા નથી બનતી.
રવિ બિશ્નોઈ
ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ રવિ બિશ્નોઈ વિશ્વનો નંબર-1 T20I બોલર બન્યો હતો. તેણે ભાગ્યે જ કલ્પના કરી હશે કે લગભગ એક વર્ષ પછી તે પ્લેઈંગ ઈલેવન તો દૂર પરંતુ સ્કવોડનો પણ ભાગ નહીં હોય. બિશ્નોઈએ અત્યાર સુધીમાં 42 T20I મેચોમાં 61 વિકેટ લીધી છે અને ભારત માટે છેલ્લી વખત ફેબ્રુઆરી 2025માં રમ્યો હતો.
મોહમ્મદ સિરાજ
31 જાન્યુઆરી, 2025 એ તારીખ હતી જ્યારે મોહમ્મદ સિરાજે ભારત માટે છેલ્લી T20I મેચ રમી હતી. હર્ષિત રાણાએ તે જ દિવસે T20I ડેબ્યુ કર્યું હતું. એમ કહેવું ખોટું નહીં હોય કે હર્ષિતે T20I ટીમમાં સિરાજનું સ્થાન લીધું છે. છેલ્લા એક વર્ષથી કોઈપણ T20 મેચ ન રમવી એ સ્પષ્ટપણે દર્શાવે છે કે સિરાજ ટીમ ઈન્ડિયાની 2026 T20 વર્લ્ડ કપ યોજનાઓમાં સામેલ નથી. તે 2024 વર્લ્ડ કપ ટીમનો ભાગ હતો.
રિંકુ સિંહ
રિંકુ સિંહની છેલ્લી 12 T20I ઈનિંગ્સમાં તેણે ફક્ત બે વાર એક ઈનિંગમાં 15 કે તેથી વધુ બોલનો સામનો કર્યો છે. રિંકુમાં કોઈપણ ટીમની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બનવાની ક્ષમતા છે. પરંતુ તે 2024 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન નહતો મેળવી શક્યો અને આ વખતે પણ સ્થાન મેળવવાની શક્યતા ઓછી છે. ઓસ્ટ્રેલિયા સિરીઝ પછી તેને અચાનક T20I ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.
રિષભ પંત
રિષભ પંત ભારતની વ્હાઈટ બોલ ટીમોનો નિયમિત સભ્ય નથી. તે લગભગ દોઢ વર્ષથી ODI ટીમની બહાર છે અને તેને T20I ટીમમાં પણ નિયમિત તકો નથી મળી રહી. T20 વર્લ્ડ કપ 2026ની સ્કવોડમાં પંતને જગ્યા મળવાની શક્યતાઓ પણ મુશ્કેલ છે કારણ કે ટીમ પાસે પહેલાથી જ સંજુ સેમસન અને જીતેશ શર્માના રૂપમાં બે વિકેટકીપર વિકલ્પો છે.








