યશસ્વી જયસ્વાલે પોતાના સ્વાસ્થ્ય અંગે આપ્યું અપડેટ, કહ્યું- 'મેદાન પર વાપસી કરવા માટે...'

યશસ્વી જયસ્વાલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં મુંબઈ તરફથી રમી રહ્યો હતો. જોકે, ટુર્નામેન્ટની મધ્યમાં, રાજસ્થાન સામેની મેચ પછી તેને પેટમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને પેટમાં સોજો હોવાનું નિદાન થયું. ત્યારબાદ સીટી સ્કેન કરવામાં આવ્યું અને ડોક્ટર્સે તેને આરામ કરવાની સલાહ આપી. હવે જયસ્વાલે પોતે પોતના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે.
યશસ્વી જયસ્વાલે પોસ્ટ શેર કરી
યશસ્વી જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું, "છેલ્લા કેટલાક દિવસોમાં મને મળેલી શુભેચ્છાઓ માટે હું બધાનો આભાર માનું છું. હું સ્વસ્થ થઈ રહ્યો છું. હું ઉત્તમ તબીબી સારવાર માટે આભારી છું. હું ટૂંક સમયમાં મેદાનમાં વાપસી કરવા માટે આતુર છું." જયસ્વાલે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં મુંબઈ માટે ફક્ત ત્રણ મેચ રમી હતી. આ દરમિયાન તેણે 145 રન બનાવ્યા હતા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. બાદમાં, જ્યારે તે બીમાર પડ્યો, ત્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ભારત માટે રમ્યો છે ત્રણેય ફોર્મેટ
યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યા છે. તેણે 28 ટેસ્ટ મેચમાં કુલ 2511 રન બનાવ્યા છે, જેમાં 7 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે 4 ODIમાં 171 રન બનાવ્યા છે. તેણે 23 T20I મેચમાં 723 રન બનાવ્યા છે, તેણે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.
સાઉથ આફ્રિકા સામે ODI સદી ફટકારી
યશસ્વી જયસ્વાલે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં ધમાકેદાર બેટિંગ કરી હતી, અને 121 બોલમાં 116 રનની ઈનિંગ રમી હતી. જેમાં તેણે 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ તેની પહેલી ODI સદી હતી.

