એકસાથે 2 બીમારીએ બગાડ્યું યુઝવેન્દ્ર ચહલનું સ્વાસ્થ્ય, આ કારણે ક્રિકેટ કરિયર પર લાગી બ્રેક!

ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી લેગ-સ્પિનર યુઝવેન્દ્ર ચહલ હાલમાં ખરાબ સ્વાસ્થ્યને કારણે ક્રિકેટથી દૂર છે. ચહલ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહ્યો છે, જેના કારણે તેને લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેવું પડી શકે છે. ચહલે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી હતી અને જણાવ્યું હતું કે આ બીમારીઓએ તેના સ્વાસ્થ્ય પર ઘણી અસર કરી છે.
બીમારીના કારણે ચહલની હાલત વધુ ખરાબ થઈ છે
યુઝવેન્દ્ર ચહલ છેલ્લે નવેમ્બરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ મેચમાં હરિયાણા માટે રમતા જોવા મળ્યો હતો. ત્યારથી તે રમતથી દૂર છે. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે અને તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. જેના કારણે તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ફાઈનલમાં પણ ભાગ નહતો લઈ શક્યો.
સોશિયલ મીડિયા પર માહિતી આપી
ફાઈનલ મેચ પહેલા, યુઝવેન્દ્ર ચહલે તેના X એકાઉન્ટ પર તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું. તેણે લખ્યું કે તે હરિયાણા ટીમ સાથે રમવા માંગતો હતો, પરંતુ બીમારીના કારણે તે આમ ન કરી શક્યો. ચહલે ફાઈનલ માટે તેની ટીમને શુભેચ્છા પણ પાઠવી હતી અને ઝડપથી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી હતી.
જોકે, તેણે સ્પષ્ટતા નહતી કરી કે તે ક્યારે સંપૂર્ણપણે ફિટ થશે અને ક્રિકેટના મેદાનમાં પાછા ફરશે. એવું માનવામાં આવે છે કે તેનું ધ્યાન હવે 24 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફી પર હશે. જોકે, તેની વાપસી સંપૂર્ણપણે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર
યુઝવેન્દ્ર ચહલ કેટલાક સમયથી ભારતીય સિનિયર ટીમમાંથી પણ બહાર છે. તેણે ઓગસ્ટ 2023થી ભારત માટે આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી. T20 વર્લ્ડ કપ પછી તેને ટીમમાં તક નથી મળી, જોકે તેણે સ્થાનિક અને વિદેશી ક્રિકેટમાં તેણે સતત સારું પ્રદર્શન કર્યું છે.
ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન
બીમારી પહેલા ચહલ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતો જોવા મળ્યો હતો. તેણે વનડે કપ અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં નોર્થમ્પ્ટનશાયરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં ઈકોનોમિકલ બોલિંગ કરી, જ્યારે રેડ બોલ ક્રિકેટમાં પણ પોતાની યોગ્યતા સાબિત કરી અને ત્રણ મેચમાં 12 વિકેટ લીધી.

