ન્યૂ ચંડીગઢમાં ટીમ ઇન્ડિયાનું તોફાન: કેએલ રાહુલની વિસ્ફોટક સદી અને રોહિત-ઋતુરાજનો સપાટો, વિન્ડીઝ સામે ખડક્યો 351 રનનો પહાડ!

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ન્યૂ ચંડીગઢ ખાતે રમાઈ રહેલી ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મુકાબલામાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડે આક્રમક અડધી સદી ફટકારીને તેમજ વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલે શાનદાર અણનમ સદી ફટકારીને મજબૂત સ્કોર ઉભો કર્યો છે. આ ત્રણેય બેટર્સના દમદાર પ્રદર્શનના જોરે ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 351 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો છે.
રાહુલની સદી, રોહિત-ગાયકવાડની અડધી સદી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી કેએલ રાહુલે (KL Rahul Century) શાનદાર બેટિંગનું પ્રદર્શન કરતાં 89 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને અણનમ 109 રનની ઇનિંગ્સ રમી હતી. બીજી તરફ, કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)એ 82 બોલમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. જ્યારે ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) 59 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે તોફાની 57 રન ફટકાર્યા હતા. શુભમન ગિલ 6 બોલમાં 1 રન અને વિરાટ કોહલી માત્ર 1 બોલ રમીને ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા હતા. મિડલ અને લોઅર ઓર્ડરમાં નમન ધીરે 21 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન, નીતિશ કુમાર રેડ્ડીએ 18 બોલમાં 11 રન તેમજ અંશુલ કંબોજે 9 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 17 રન બનાવી રન આઉટ થયો હતો. ગુરનૂર બ્રારે 6 બોલમાં 1 ચોગ્ગા સાથે અણનમ 8 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ઇનિંગ્સમાં વધારાના 4 રન મળ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ : સીલ્સ અને પોલને 2-2 વિકેટ
વેસ્ટ ઈન્ડિઝના બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો, જેડન સીલ્સે 10 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ અને કીમો પોલે 9 ઓવરમાં 71 રન ખર્ચીને 2 વિકેટ ઝડપી હતી. ગુડાકેશ મોતીએ 10 ઓવરમાં 67 રન આપીને 1 વિકેટ મેળવી હતી. બીજી તરફ મેથ્યુ ફોર્ડે 6 ઓવરમાં 26 રન આપ્યા હતા પરંતુ તેને કોઈ વિકેટ મળી નહોતી. વિટાલ લેવિસે 5 ઓવરમાં 51 રન લૂંટાવ્યા હતા અને તે પણ વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહ્યો હતો. જ્યારે અલ્ઝારી જોસેફે પોતાની 10 ઓવરમાં સૌથી વધુ 70 રન આપ્યા હતા અને તેને પણ એકપણ વિકેટ મળી શકી નહોતી.
ભારત પહેલેથી જ 2-0થી અજેય સરસાઈ પર
ત્રણ મેચોની આ વન-ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયા પહેલેથી જ 2-0થી અજેય સરસાઈ બનાવી ચૂકી છે. શ્રેણીની પ્રથમ વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હરાવ્યું હતું, જેમાં વિન્ડીઝના 295/7 સામે ભારતે 41.4 ઓવરમાં 300/2 બનાવી લીધા હતા. બીજી વન-ડેમાં પણ ભારતીય ટીમે 406 રનના વિશાળ ટાર્ગેટને 43.3 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને પાર કરી 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ત્રીજી મેચમાં પણ મજબૂત સ્કોર સાથે ભારત શ્રેણી ક્લીન સ્વીપ કરવાના મજબૂત ઇરાદા સાથે આગળ વધી રહ્યું છે.

