મેગેઝિન કવર માટે ન્યૂડ થયો ગુરફતેહ પીરઝાદા, બોલ્ડ અવતાર જોઈને લોકો પણ આશ્ચર્યચકિત

બોલિવુડ એક્ટર ગુરફતેહ પીરઝાદાએ સોશિયલ મીડિયા પર ધમાકો મચાવી દીધો છે. રણવીર સિંહ પછી હવે ગુરફતેહે એક મેગેઝિન કવર માટે અત્યંત બોલ્ડ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. ‘ડર્ટી મેગેઝિન’ના આ ફોટોશૂટમાં તે જમીન પર કપડાં વગર પોઝ આપતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ‘લસ્ટ સ્ટોરીઝ ૩’ અને ‘કોલ મી બે’માં જોવા મળેલા આ એક્ટરનો આ અવતાર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેની આ તસવીર પર ફેન્સ અને સેલેબ્સ જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. ગુરફતેહનો આ અંદાજ ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચા જગાવી રહ્યો છે.
વાયરલ થઈ રહેલી તસવીરમાં ગુરફતેહ પીરઝાદા કપડાં વગર જમીન પર બેઠેલો નજરે પડે છે. જ્યારે પાછળ એક બેડ દેખાઈ રહ્યો છે. અભિનેતાએ પોતાના હાથથી શરીરને ઢાંકેલું છે અને સીધો કેમેરા સામે જોઈ રહ્યો છે. આ તસવીર પર ફેન્સની સાથે સાથે સેલેબ્સ પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્સ આપી રહ્યા છે રીએક્શન
મેગેઝિને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતા એક્ટરના કરિયર અને તેના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો. પોસ્ટ મુજબ, ગુરફતેહે રિજેક્શન, નવી શરૂઆત અને લાંબી રાહ વચ્ચે પોતાના એક્ટિંગ કરિયરને આગળ વધાર્યું છે. તસવીર સામે આવતા જ કોમેન્ટ સેક્શનમાં રમુજી રીએક્શન્સની પૂર આવી ગઈ છે. એક્ટર વરુણ સૂદે મજાકમાં પૂછ્યું, 'સ્ટાઇલિંગ કોણે કરી છે?' તો વળી એક ફેને મજા લેતા લખ્યું, 'આઉટફિટની વિગતો આપો.' અન્ય એક યુઝરે તેના લુકને 'વર્ષનો આઉટફિટ' ગણાવી દીધો. કેટલાક ફેન્સે તેની તસવીર પર બોલ્ડ અને મજેદાર કોમેન્ટ્સ કરી છે.
‘લસ્ટ સ્ટોરીઝ ૩’માં જોવા મળ્યો હતો ગુરફતેહ
ગુરફતેહ તાજેતરમાં એન્થોલોજી ફિલ્મ ‘લસ્ટ સ્ટોરીઝ ૩’માં જોવા મળ્યો હતો. તેણે કિરણ રાવના નિર્દેશન હેઠળના સેગમેન્ટમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે નવી એક્ટ્રેસ સના થમ્પી પણ જોવા મળી હતી. ફિલ્મની રિલીઝ પહેલાં એક્ટરે પોતાના કરિયરના મુશ્કેલ તબક્કાને લઈને સોશિયલ મીડિયા પર એક ભાવુક નોટ શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે ડેબ્યૂ ફિલ્મ ‘ગિલ્ટી’ પછી તેને લાગ્યું હતું કે તેનું કરિયર સાચી દિશામાં આગળ વધી રહ્યું છે. પરંતુ તે પછી તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેણે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં તેના સાત પ્રોજેક્ટ્સ બંધ થઈ ગયા હતા. આનાથી તેના આત્મવિશ્વાસ પર ખૂબ માઠી અસર પડી હતી.

