આજથી ટીમ ઇન્ડિયાના 'મિશન એશિયા કપ'નો પ્રારંભ,UAE સામે આવી હોઇ શકે છે પ્લેઇંગ-11

એક મહિનાના આરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમ યુએઇ સામે ટી-20 મુકાબલાથી 'મિશન એશિયા કપ'નો પ્રારંભ કરશે. સૂર્યકુમાર યાદવના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ ટી-20માં વર્લ્ડ ચેમ્પિયન છે અને આ જ કારણે યુએઇ સામે એક તરફી જીતની સાથે ધમાકેદાર પ્રારંભ કરવા આતુર છે.
યુએઇની ટીમ પણ હાઇપ્રોફાઇલ ટીમ ઇન્ડિયા સામે લડાયક દેખાવ કરવાના ઇરાદા સાથે ઉતરશે. દુબઇમાં ભારત અને યુએઇ વચ્ચે રાત્રે 8.00 વાગ્યાથી મેચનો પ્રારંભ થવાનો છે.
ગિલ-અભિષેક શર્મા ઓપનિંગ કરી શકે
ભારતીય ટીમ યુએઇ સામેની એશિયા કપની પ્રથમ ટી-20માં કેટલાક નવા કોમ્બિનેશનને અજમાવશે તે નક્કી થઇ ગયું છે. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ કેપ્ટન તરીકે પ્રભાવ પાડનારા ગિલે એક વર્ષ બાદ જ ટી-20 ટીમમાં વાઇસ કેપ્ટન તરીકે પુનરાગમન કર્યું છે. ગિલના આગમનને પરિણાણે ભારતની ઓપનિંગ જોડીમાં ફેરફાર થશે તે નક્કી છે. હવે અભિષેક શર્માની સાથે ગિલ ઓપનિંગની જવાબદારી સંભાળી લેશે તેવી શક્યતા પ્રબળ છે જ્યારે વિકેટકીપર અને ઓપનર સેમસનને ટીમ બેન્ચ પર જ બેસવું પડી શકે છે કારણ કે જીતેશ શર્મા પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવાનો પ્રબળ દાવેદાર છે. ટીમ ઇન્ડિયા ત્રણ સ્પિનરો અને બે ફાસ્ટરો સાથે ઉતરી શકે છે.
ભારતની મજબુત બેટિંગ લાઇનઅપ
યુએઇના બોલરો ભારતની મજબુત બેટિંગ લાઇનઅપ પર કેટલો પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે. ટીમ ઇન્ડિયામાં એકથી એક દિગ્ગજ બેટ્સમેનો છે. ICC ટી-20 બેટર્સમાં નંબર વન અભિષેક શર્મા, બીજો ક્રમ ધરાવતો તિલક વર્મા અને છઠ્ઠો નંબર ધરાવતો સૂર્યકુમાર યાદવ યુએઇ માટે દુ:સ્વપ્ન સમાન બની રહેશે. આ ઉપરાંત ગિલની સાથે સાથે ઓલરાઉન્ડર્સ હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પણ મોટી ઇનિંગ રમવા માટે જાણીતા છે.
ટીમ ઇન્ડિયા સ્પિનરો પર ભાર મુકશે
દુબઇની પીચ પર ભારતીય ટીમ સ્પિન બોલિંગ પર વધુ ભાર મુકશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. બે ફાસ્ટ બોલરો તો ટીમમાં નક્કી જેવા જ છે જેમાં બુમરાહ અને હર્ષિત રાણા કે અર્ષદીપનો સમાવેશ થાય છે. જોકે, ટીમ મેનેજમેન્ટ બુમરાહ જેવા સ્ટાર બોલરને સ્થાને અન્ય ફાસ્ટરને યુએઇ સામે ઉતારશે તેવી ચર્ચા પણ ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. જ્યારે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલની હાજરી ટીમ માટે નિર્ણાયક સાબિત થશે. કુલદીપ યાદવ અને વરૂણ ચક્રવર્તીને પણ તક મળશે તેમ લાગી રહ્યું છે.
યુએઇની ટીમને પ્રભાવશાળી દેખાવની આશા
યુએઇની ટીમને મોહમ્મદ વસીમના નેતૃત્ત્વ હેઠળ પ્રભાવશાળી દેખાવની આશા છે. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ ભારતીય કે પાકિસ્તાની મૂળના છે. તાજેતરમાં રમાયેલા ત્રિકોણીય જંગમાં તેમણે અફઘાનિસ્તાન પર ભારે દબાણ સર્જ્યુ હતું. યુએઇની બેટિંગ ઓપનર વસીમ અને શરાફની સાથે સાથે આસિફ ખાન અને વિકેટકીપર બેટ્સમેન રાહુલ ચોપરા પર આધારિત રહેશે. જુનેદ સિદ્ધિકી, મોહમ્મદ રોહિદ અને હૈદર અલી ટીમના મુખ્ય બોલરો છે.
બન્ને સંભવિત ટીમો આ રીતે છે
ભારત: અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ/અર્ષદીપ સિંઘ, વરૂણ ચક્રવર્તી
યુએઇ: વસીમ (કેપ્ટન), શરાફુ, રાહુલ ચોપરા (વિકેટકીપર), આસિફ ,ફારૂક, હર્ષિત કૌશિક, ઝોહૈબ, જાવાદુલ્લાહ, હૈદર અલી, સિદ્દિકી, રોહિદ.

