2 ફાસ્ટ બોલર, 3 ઓલરાઉન્ડર... આ પ્લેઈંગ ઈલેવન સાથે એશિયા કપમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા

ક્રિકેટ એશિયા કપ 2025માં ભારતનો પહેલો મુકાબલો બુધવાર, 10 સપ્ટેમ્બરના રોજ UAE સાથે છે. ભારત ગ્રુપ 'A' માં છે, જેમાં પાકિસ્તાન, UAE અને ઓમાનનો સમાવેશ થાય છે. બધી ટીમો ગ્રુપ સ્ટેજમાં 3-3 મેચ રમશે. ટીમ ઈન્ડિયાનો બીજો મુકાબલો 14 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સાથે અને ત્રીજો મુકાબલો 19 સપ્ટેમ્બરના રોજ ઓમાન સાથે છે. અહીં અમે એશિયા કપમાં ભારતના પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશન વિશે વાત કરી રહ્યા છીએ, કયા ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે અને કયા ખેલાડીઓને બેન્ચ પર બેસવું પડી શકે છે.
એશિયા કપ ઝુંબેશ શરૂ થાય તે પહેલા ભારતના ખેલાડીઓએ ફિલ્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, કેપ્ટને એમ પણ કહ્યું હતું કે બેટિંગ અને બોલિંગની સાથે આ ક્ષેત્ર પણ મહત્ત્વપૂર્ણ રહેશે. ભારતના પ્લેઈંગ ઈલેવન કોમ્બિનેશનમાં 2 મુખ્ય ફાસ્ટ બોલર ફિટ થઈ રહ્યા છે, તેમની સાથે 2 સ્પિનરોને સ્થાન મળી શકે છે. દુબઈ અને અબુ ધાબીની પીચો પર સ્પિનર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ચાલો ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન પર એક નજર કરીએ.
અભિષેક શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરશે
ભારત માટે છેલ્લી ઘણી મેચોમાં સંજુ સેમસન અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરી રહ્યો હતો, પરંતુ હવે એશિયા કપમાં અભિષેક શર્મા સાથે શુભમન ગિલ ઓપનિંગ કરી શકે છે. ટીમની જાહેરાત સમયે અજિત અગરકરે કહ્યું હતું કે ગિલ રમી રહ્યો ન હોવાથી સંજુ ઓપનિંગ કરી રહ્યો હતો.
તિલક વર્મા નંબર ત્રણનું સ્થાન સંભાળશે
લેફટી બેટ્સમેન તિલક વર્મા નંબર ત્રણ પર બેટિંગ કરી શકે છે, આ બેટિંગ ક્રમમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તેણે ભારત માટે T20માં 13 વખત આ સ્થાન પર બેટિંગ કરી છે, 169થી વધુની સ્ટ્રાઇક રેટથી 443 રન બનાવ્યા છે. આમાં 2 સદીની ઈનિંગ્સનો સમાવેશ થાય છે.
ભારતનો મિડલ ઓર્ડર
કેપ્ટન સૂર્યકુમાર યાદવ નંબર ચાર પર બેટિંગ કરી શકે છે. સૂર્યા મોટાભાગની T20 મેચમાં આ સ્થાન પર રમ્યો છે. તેણે 46 વખત ચોથા નંબર પર બેટિંગ કરીને 1609 રન બનાવ્યા છે. આમાં 3 સદી અને 13 અડધી સદીનો સમાવેશ થાય છે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાંચમા નંબર પર મોટી જવાબદારી નિભાવી શકે છે. જોકે, એ જોવું રસપ્રદ રહેશે કે તેની પહેલા કોઈ વિકેટકીપર બેટ્સમેન મોકલવામાં આવશે કે નહીં. સંજુ સેમસનને વિકેટકીપર તરીકે તક મળી શકે છે.
આ 3 ઓલરાઉન્ડર પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થઈ શકે છે
હાર્દિક પંડ્યાની સાથે શિવમ દુબે અને અક્ષર પટેલનો પણ પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ થઈ શકે છે. અક્ષર ફિલ્ડિંગમાં પણ અદ્ભુત છે. તે લોઅર ઓર્ડરને મજબૂત બનાવશે. શિવમ દુબે મોટા હિટ માટે જાણીતો છે, જોકે કેપ્ટન માટે તેને બોલિંગ કરાવવી મુશ્કેલ છે.
આ બોલર્સને સ્થાન મળી શકે છે
જસપ્રીત બુમરાહ ટીમમાં મુખ્ય બોલર છે, જે કોઈપણ બેટિંગ યુનિટને મુશ્કેલીમાં મૂકી શકે છે. અર્શદીપ સિંહને તેની સાથે બીજા મુખ્ય ફાસ્ટ બોલર તરીકે તક મળી શકે છે. સ્પિનર તરીકે, કુલદીપ યાદવ કરતાં વરુણ ચક્રવર્તીને પ્રાથમિકતા આપી શકાય છે. તેનું પ્રદર્શન પણ ઉત્તમ રહ્યું છે. વરુણે 18 T20I મેચોમાં 33 વિકેટ લીધી છે. આ વર્ષે જાન્યુઆરીમાં, તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 5 વિકેટ લીધી હતી. તેની સાથે મિડલ ઓર્ડરમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલ હશે, જે યોગ્ય લાઈન પર બોલિંગ કરીને બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.
એશિયા કપમાં ભારતનું શેડ્યૂલ
- 10 સપ્ટેમ્બર: vs UAE (દુબઈ)
- 14 સપ્ટેમ્બર: vs પાકિસ્તાન (દુબઈ)
- 19 સપ્ટેમ્બર: vs ઓમાન (અબુ ધાબી)
એશિયા કપ 2025માં ભારતની ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, સંજુ સેમસન (વિકેટકીપર), જિતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

