IPL Final 2024: હૈદરાબાદના વિસ્ફોટક બેટરો પાણીમાં બેસી ગયા, 113 રનમાં ખખડ્યું
Sunrisers Hyderabad team all out for 113 runs IPL Final 2024 | ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2024)ની ફાઈનલ મેચ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરા

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL 2024)ની ફાઈનલ મેચ રવિવારે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેમાં હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદની ટીમ 18.3 ઓવરમાં માત્ર 113 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે કોલકાતાને ચેમ્પિયન બનવા 114 રનનો ટાર્ગેટ આપ્યો છે.
સૌથી વધુ કેપ્ટન કમિન્સે 24 રન બનાવ્યા
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ મિચેલ સ્ટાર્કે અભિષેક શર્માને બોલ્ડ માર્યો હતો. જે બાદ બીજી ઓવરમાં જ વૈભવ અરોરાએ વિસ્ફોટક ખેલાડી ટ્રેવિસ હેડને 0 રને આઉટ કર્યો હતો. આમ એક પછી એક વિકેટ પડતા આખી ટીમ 113 રનમાં સમેટાઈ ગઈ હતી. સૌથી વધુ કેપ્ટન કમિન્સે 24 રન બનાવ્યા હતા.
આન્દ્રે રસેલે ત્રણ વિકેટ ઝડપી
કોલકાતાના બોલરો સામે હૈદરાબાદ ટીમના બેટરો પાણીમાં બેસી ગયા હતા. પાંચ ખેલાડી તો ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યા નહોતા. અભિષેક શર્મા (2 રન), ટ્રેવિસ હેડ (0 રન) શાહબાઝ અહેમદ (8 રન), રાહુલ ત્રિપાઠી (9 રન) અને અબ્દુલ સમદ(4) રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણાએ બે-બે વિકેટ ખેરવી અને આન્દ્રે રસેલે ત્રણ વિકેટ ઝડપી હતી.
બંને ટીમની પ્લેઇંગ- ઈલેવન
સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ અને ટી નટરાજન.
કોલકાતા નાઈટ રાઈડર્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, વૈભવ અરોરા, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.








