મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું

દક્ષિણ આફ્રિકા ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં પહોંચ્યું છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવી

દક્ષિણ આફ્રિકાએ રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ટી-20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું

દક્ષિણ આફ્રિકા ટી-20 વર્લ્ડકપ 2024ની ફાઇનલમાં પહોંચ્યું છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત કોઇ ICC ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું છે. હવે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર બીજી સેમિ ફાઇનલની વિજેતા ટીમ સામે ટકરાશે. ફાઇનલ મેચ 29 જૂને રમાશે.

ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનને આફ્રિકન બોલરોએ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલ આઉટ કરી નાખી હતી. ટીમ માટે આ દરમિયાન માર્કો યાનસેન અને તબરેજ શમ્સીએ સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. પડકારનો પીછો કરતા આફ્રિકાએ 8.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 60 રન બનાવી મેચને જીતી લીધી હતી.

અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઓમરજાઇએ સૌથી વધુ 10 રન બનાવ્યા હતા. આ સિવાય એક પણ બેટ્સમેન ડબલ અંક સુધી પહોંચી શક્યો નહતો. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેજ શમ્સીએ 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે કાગિસો રબાડા અને એનરિક નોર્ખિયાએ 2-2 વિકેટ ઝડપી હતી.

2 વખત ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં હાર્યું હતું દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત 2009માં કોઇ ટી-20 વર્લ્ડકપની સેમિ ફાઇનલ સુધી પહોંચ્યું હતું. નોકઆઉટ મેચમાં જેક્સ કાલિસ, હર્ષલ ગિબ્સ, માર્ક બાઉડર અને ડેલ સ્ટેન જેવા ખેલાડી આફ્રિકાને પાકિસ્તાન વિરૂદ્ધ જીત અપાવી શક્યા નહતા. તે બાદ 2014ના ટી-20 વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા ભારત સામે ટકરાયું હતું. આ વખતે પણ તેને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો