મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

અમદાવાદમાં CSK સામે ગુજરાત ભલે જીત્યું, કેપ્ટન ગિલને ફટકારાયો લાખો રૂપિયાનો દંડ

IPL 2024માં શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મે

અમદાવાદમાં CSK સામે ગુજરાત ભલે જીત્યું, કેપ્ટન ગિલને ફટકારાયો લાખો રૂપિયાનો દંડ

IPL 2024માં શુક્રવારે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાતે ચેન્નાઈને 35 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. બીજી તરફ BCCIએ શુભમન ગિલને મોટો ઝટકો આપ્યો છે. ગિલને મેચ દરમિયાન સ્લો ઓવર રેટના કારણે તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

હવે આવી ભૂલ કરી તો એક મેચ માટે લાગશે પ્રતિબંધ

BCCI અને IPLએ દંડની પુષ્ટિ કરતા એક નિવેદન જારી કર્યું છે. જેમાં જણાવ્યું કે, સ્લો ઓવર રેટના ઉલ્લંઘન સબંધિત IPLની આચાર સંહિતા હેઠળ આ ટીમનો સીઝનનો બીજો ગુનો હતો. જેના કારણે ઉલ્લંઘનની ગંભીરતાને દર્શાવતા ગિલ પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત IPLના નિયમો પ્રમાણે ઈમ્પેક્ટ પ્લેયર્સ સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને 6 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25%ના વ્યક્તિગત દંડનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં જો શુભમન ગિલની કેપ્ટનશિપ હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમ ફરી એકવાર આ નિયમનું ઉલ્લંઘન કરશે તો ગિલની ઉપર એક મેચ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. 

શુભમન અને સુદર્શને શાનદાર સેન્ચુરી ફટકારી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સને ગુજરાત ટાઈટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર સાથે જ તેની ટીમને પોઈન્ટ ટેબલમાં નેટ રન રેટમાં નુકસાન થયું છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પ્રથમ બેટિંગ કરતા GTની ટીમે શુભમન ગિલ અને સાઈ સુદર્શનની સદીના આધારે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. આ મેચમાં શુભમને 55 બોલમાં 104 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી અને સાઈ સુદર્શને 51 બોલમાં 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

આ સમાચાર શેર કરો