ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર! સાઉથ આફ્રિકા સામેની સિરીઝ વચ્ચે થઈ શકે છે શુભમન ગિલની વાપસી

ટીમ ઈન્ડિયાના ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલના ફેન્સ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. સાઉથ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટમાં તેને ગરદનની ઈજા થઈ હતી, જેના કારણે તે ટેસ્ટ બાદ ODI સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. હવે, ગિલની ફિટનેસ અંગે એક મોટું અપડેટ આવ્યું છે અને તે તેની વાપસીની તૈયારીઓ શરૂ કરી રહ્યો છે. ગિલ સાઉથ આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાની જર્સીમાં પાછો ફરી શકે છે.
શુભમન ગિલની વાપસી બહુ દૂર નથી!
ગરદનની ઈજા બાદ શુભમન ગિલે મુંબઈમાં ફિઝીયોથેરાપી કરાવી અને પછી તેના પરિવાર સાથે સમય વિતાવવા માટે ચંદીગઢ ગયો હતો. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે શુભમન ગિલ આજે એટલે કે 1 ડિસેમ્બરે, તેની રિકવરી પ્રક્રિયા શરૂ કરવા માટે બેંગલુરુ જવા રવાના થશે. એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેને હાલમાં કોઈ દુખાવો નથી થઈ રહ્યો.
ગિલ છેલ્લા કેટલાક સમયથી નેટમાં પ્રેક્ટિસ નહતો કરી રહ્યો, પરંતુ હવે BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ગિલ આગામી દિવસોમાં CoEમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, "હાલમાં, ગિલ 100% ફિટ છે અને પ્રેક્ટિસ કરવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં ટીમમાં પાછો ફરશે. દરેક વ્યક્તિ તેને રમવા માટે તૈયાર જોવા માંગે છે."
શું સાઉથ આફ્રિકા સામેની T20I સિરીઝ માટે પાછો ફરશે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે જો શુભમન ગિલ આગામી દિવસોમાં રમવા માટે સંપૂર્ણપણે ફિટ થઈ જાય છે, તો તેને સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે પસંદ કરવામાં આવી શકે છે. T20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે અને ગિલ આ મેચમાં વાપસી કરી શકે છે. જોકે, સાઉથ આફ્રિકા સામેની સિરીઝ દરમિયાન શુભમનની વાપસી અંગેનો નિર્ણય તેની ફિટનેસના આધારે લેવામાં આવશે. તે T20Iમાં ભારતનો વાઈસ કેપ્ટન છે અને તેની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ છે.

