SMAT 2025 / અભિષેક શર્મા બાદ ઈશાન કિશને પણ ફટકારી તોફાની સદી, ઝારખંડ માટે રમી મેચ વિનિંગ ઈનિંગ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26ની સિઝન ચાલી રહી છે. જેના એલીટ ગ્રુપ Dમાં ઝારખંડનો સામનો ત્રિપુરા સામે થયો હતો. જેમાં ઝારખંડના કેપ્ટન ઈશાન કિશને મેચ વિનિંગ ઈનિંગ રમી. તેણે તોફાની સદી ફટકારતા ટીમને 8 વિકેટથી જીત અપાવી હતી.
મેચમાં, ત્રિપુરાએ પ્રથમ બેટિંગ કરી અને 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. જેના જવાબમાં, ઝારખંડે 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા અને મેચ 8 વિકેટથી મેચ જીતી લીધી. કેપ્ટન ઈશાન કિશને અણનમ 113 રન બનાવ્યા હતા.
વિજય શંકરની અડધી સદી
ટોસ જીત્યા પછી, ઝારખંડે ત્રિપુરાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ત્રિપુરા માટે બિક્રમકુમાર દાસે 42 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજા છેડે વિકેટ પડતી રહી. જોકે વિજય શંકરે 59 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન મનીશંકર મુરાસિંહે 42 રન બનાવીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી.
45 બોલમાં સદી
ઝારખંડની શરૂઆત ખરાબ રહી હતી. ઉત્કર્ષ સિંહ 5 રન અને કુમાર કુશાગ્ર 6 રન બનાવીને આઉટ થયા હતા. જોકે, કેપ્ટન ઈશાન કિશન અને વિરાટ સિંહે ખાતરી કરી કે વધુ વિકેટ ન પડે. ઈશાન કિશને માત્ર 45 બોલમાં પોતાની સદી પૂરી કરી.
બીજી તરફ વિરાટ સિંહે પણ અડધી સદી ફટકારી હતી. ઈશાન કિશને 50 બોલનો સામનો કર્યો, જેમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. વિરાટે 40 બોલમાં અણનમ 53 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. ઈશાન કિશન પહેલા પંજાબ માટે રમતા અભિષેક શર્માએ પણ સદી ફટકારી હતી. તેણે 52 બોલમાં 16 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે કુલ 148 રન બનાવ્યા હતા.

