BREAKING: Asian Para Games: શીતલ દેવીએ વિશ્વ રેકોર્ડની કરી બરાબરી! 704 પોઈન્ટ સાથે એશિયન રેકોર્ડ તોડ્યો, ભારતીય ટીમ સેમિફાઇનલમાં

જાપાનના નાગોયામાં ચાલી રહેલી એશિયન પેરા ગેમ્સમાં ભારતીય તીરંદાજ શીતલ દેવીએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. સોમવારે મહિલા કમ્પાઉન્ડ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શીતલ દેવીએ 720માંથી 704 પોઈન્ટ મેળવીને વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી અને નવો એશિયન રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. તેમના આ પ્રદર્શનને કારણે ભારતની મહિલા કમ્પાઉન્ડ ટીમ ક્વોલિફિકેશનમાં પ્રથમ સ્થાને રહીને સીધી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.
72 તીરથી 704 પોઈન્ટ, શીતલનો ઐતિહાસિક દેખાવ
જમ્મુ-કાશ્મીરની 19 વર્ષીય શીતલ દેવીએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં અદભુત નિશાનેબાજી કરી હતી. તેમણે કુલ 72 તીર છોડ્યાં હતાં, જેમાંથી 57 તીરથી 10-10 પોઈન્ટ મેળવ્યા હતા. આમાંથી 32 તીર લક્ષ્યના સૌથી અંદરના ભાગમાં લાગ્યાં હતાં, જેને ‘એક્સ’ સ્કોર તરીકે ઓળખવામાં આવે છે.
શીતલ દેવીએ આ વર્ષે માર્ચમાં બનાવેલા પોતાના 698 પોઈન્ટના એશિયન રેકોર્ડને છ પોઈન્ટથી સુધાર્યો હતો. આ સાથે તેમણે તુર્કિયેની તીરંદાજ ઓઝનુર ગિરદીના નામે નોંધાયેલા 704 પોઈન્ટના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. ગિરદીએ 2024ના પેરિસ પેરાલિમ્પિક્સમાં આ સ્કોર નોંધાવ્યો હતો.
પેરિસ પેરાલિમ્પિક્સની મેડલ વિજેતા છે શીતલ દેવી
શીતલ દેવી અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી ચૂકી છે. પેરિસ પેરાલિમ્પિક્સમાં તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. એશિયન ગેમ્સની વર્તમાન ચેમ્પિયન શીતલે 2023માં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં પોતાના જ 680 પોઈન્ટના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
2023ની એશિયન પેરા ગેમ્સમાં શીતલ દેવીએ વ્યક્તિગત અને મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં બે સુવર્ણ ચંદ્રક જીત્યા હતા, જ્યારે જોડી સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવ્યો હતો. હવે ફરી એકવાર તેમના પ્રદર્શને ભારતીય તીરંદાજીની શક્તિ દર્શાવી છે.
પાયલે પણ આપ્યો સાથ, ભારત ક્વોલિફિકેશનમાં નંબર-1
મહિલા કમ્પાઉન્ડ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં ભારતની બીજી તીરંદાજ પાયલે પણ સારું પ્રદર્શન કર્યું હતું. એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ભાગ લઈ રહેલી પાયલે 675 પોઈન્ટ મેળવીને પાંચમું સ્થાન હાંસલ કર્યું હતું.
શીતલ દેવી અને પાયલના સંયુક્ત 1,379 પોઈન્ટના સ્કોર સાથે ભારત મહિલા કમ્પાઉન્ડ ટીમની ક્વોલિફિકેશન યાદીમાં ટોચ પર રહ્યું હતું. ચીન 1,338 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહ્યું હતું. આ શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમને સીધી સેમિફાઇનલમાં પ્રવેશ મળ્યો છે.
હવે સેમિફાઇનલમાં મેડલ માટે નજર
ભારતીય જોડીનો સેમિફાઇનલમાં મુકાબલો પાંચમી ક્રમાંકિત થાઇલેન્ડ અને ચોથી ક્રમાંકિત કઝાકિસ્તાન વચ્ચેની ક્વાર્ટરફાઇનલના વિજેતા સામે થશે. શીતલ દેવીના વિશ્વ રેકોર્ડની બરાબરી કરતા પ્રદર્શન અને ભારતીય ટીમના ટોચના સ્થાનને કારણે હવે ચાહકોની નજર આગામી મુકાબલા પર ટકેલી છે. ભારતીય ટીમ આ લય જાળવી રાખીને વધુ એક મેડલ જીતશે તેવી આશા છે.








