'કોહલીનું સ્થાન લેવું...'; નંબર-3 પર રમી રહેલા ઋતુરાજ ગાયકવાડે ત્રીજી T20I પહેલા આપ્યું મોટું નિવેદન
શુભમન ગિલની કપ્તાની હેઠળ, ભારતની યુવા ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર 5 મેચની T20 સિરીઝ રમી રહ

શુભમન ગિલની કપ્તાની હેઠળ, ભારતની યુવા ક્રિકેટ ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર 5 મેચની T20 સિરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાને આ સિરીઝની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચમાં શાનદાર વાપસી કરી હતી અને 100 રનથી મેચ જીતી હતી. હરારેના મેદાન પર રમાયેલી આ બીજી મેચમાં અભિષેક શર્માએ સદી ફટકારી હતી, તો ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા ઋતુરાજ ગાયકવાડે પણ 47 બોલમાં 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. હવે સિરીઝની ત્રીજી મેચ પહેલા ગાયકવાડે એક નિવેદનમાં કહ્યું છે કે, વિરાટ કોહલીની જગ્યા લેવી બિલકુલ સરળ નથી.'
મારું ધ્યાન ટીમની જરૂરિયાત મુજબ રમવા પર છે
ઋતુરાજ ગાયકવાડે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી T20 મેચ પહેલા તેના બેટિંગ ઓર્ડર અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 'વિરાટ કોહલી સાથે સરખામણી કરવી અથવા તેની જગ્યા લેવાનું વિચારવું ખૂબ મુશ્કેલ છે. મેં IPL દરમિયાન પણ કહ્યું હતું કે કોઈની પણ જગ્યા લેવી ખૂબ જ મુશ્કેલ છે, તમે તમારી ઈચ્છા મુજબ તમારી કારકિર્દીને આગળ વધારવા તરફ જુઓ છો અને મારી પણ આવી જ વિચારસરણી છે. ટીમને જ્યાં પણ મારી જરૂર હશે હું તે નંબર પર બેટિંગ કરવા માટે હંમેશા તૈયાર છું. મારા માટે કોઈપણ નંબર પર રમવું કોઈ સમસ્યા નથી. તમે ઓપનિંગ કરો કે ત્રીજા નંબર પર બેટિંગ કરો તેમાં બહુ ફરક નહીં પડે કારણ કે બંને પરિસ્થિતિમાં તમે મોટાભાગે નવા બોલનો સામનો કરો છો.'
CSK માટે રમ્યા બાદ થોડો ફેરફાર થયો
ગાયકવાડે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમની કેપ્ટનશિપ કરી હતી, ભલે ટીમ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી, પરંતુ ઋતુરાજે ચોક્કસપણે સ્વીકાર્યું કે આનાથી રમત પ્રત્યેના તેના અભિગમમાં થોડો ફેરફાર થયો છે. ગાયકવાડે કહ્યું કે, 'કેપ્ટનશિપ મળ્યા બાદ પણ મેં મારી બેટિંગની રીત બદલી નથી. જો કે, આ જવાબદારી લીધા પછી, તમે રમતના વિવિધ પાસાઓ વિશે પણ કાળજીપૂર્વક સમજો છો.'






