IND vs SL: રોહિત શર્માએ ખરાબ શોર્ટ રમનારા અર્શદીપને દેખાડી આંખો, ફેન્સે લીધો આડેહાથ
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ બાદ ભારતીય ખેલાડી અર્શદીપ સિંહ ચાહકોના નિશાને આવી ગયો છે. 47મી ઓવરમાં જ્યા

ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ બાદ ભારતીય ખેલાડી અર્શદીપ સિંહ ચાહકોના નિશાને આવી ગયો છે. 47મી ઓવરમાં જ્યારે ટીમ ઈન્ડિયાને જીતવા માટે 1 રનની જરૂર હતી અને માત્ર એક જ વિકેટ હાથમાં હતી ત્યારે આ ડાબોડી ખેલાડીએ ખરાબ શોટ રમીને મેચ ટાઈ કરી દીધી હતી. મેચ બાદ અર્શદીપ સિંહના આ શોટની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી એટલું જ નહીં, રોહિત શર્મા પણ મેચ પછી હાથ મિલાવતી વખતે તેની તરફ ગુસ્સે ભરાયેલી આંખે જોતો જોવા મળ્યો હતો.
રોહિતનો ગુસ્સો પણ વ્યાજબી હતો કારણ કે જ્યારે અર્શદીપ બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમને 14 બોલમાં માત્ર 1 રનની જરૂર હતી. તે સમયે આ કોઈ મોટો શોટ નહોતો, જો અર્શદીપ સિંહે ટેપ કરીને એક રન પણ લીધો હોત તો ભારત જીતી ગયું હોત. મેચ બાદ અર્શદીપ સિંહની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી. આ દરમિયાન એક તસવીર સામે આવી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. મેચ પછી હાથ મિલાવતી વખતે રોહિત શર્મા અર્શદીપ સિંહ તરફ ગુસ્સાથી જોતો જોવા મળે છે, જ્યારે અર્શદીપ સિંહની આંખો નીચી છે.
આ દરમિયાન ઘણા ચાહકોએ એમ પણ કહ્યું કે અર્શદીપ સિંહ ધોનીની જેમ વિનિંગ સિક્સર ફટકારીને હીરો બનવા જઈ રહ્યો છે. જો કે, હીરોને બદલે તે ચોક્કસપણે ઝીરો બની ગયો. કેટલાક ચાહકોએ તેની સરખામણી વેસ્ટ ઈન્ડિઝના શેનોન ગેબ્રિયલ સાથે પણ કરી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. જેમાં પ્રથમ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે ટાઈ થઈ હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી શ્રીલંકાની ટીમ 8 વિકેટે 230 રન બનાવી શકી હતી. જેના જવાબમાં રમવા આવેલી ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમે 75 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યારબાદ આખી ટીમ 47.5 ઓવરમાં 230 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.
14 બોલમાં એક પણ રન ન બનાવી શકી ટીમ ઇન્ડિયા
મેચ ટાઈ થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'લક્ષ્ય હાંસલ કરી શકાય તેમ હતું. પરંતુ અમારું પ્રદર્શન મેચના અમુક તબક્કામાં જ સારું રહ્યું હતું. જેમાં અમારી શરૂઆત સારી હતી. પરંતુ પછી વિકેટ પડી, તેમાં છતાં કેએલ રાહુલ અને અક્ષર પટેલની ભાગીદારીથી ફરી મેચમાં સારું પ્રદર્શન થયું હતું, પણ છેલ્લે 14 બોલમાં એક રન બાકી હોય અને મેચ ન જીતી શકો તો દુઃખ તો થાય. આ એવી પિચ નહોતી કે જ્યાં તમે પહોંચતાની સાથે જ શોટ મારવાનું શરૂ કરી શકો. પણ મને લાગ્યું કે અમે સારું રમ્યા, તેમ છતાં એક રનથી પાછળ રહી ગયા.'
બે વિકેટ પડી જવાને કારણે મેચ પલટાઈ ગઈ
48મી ઓવરના ત્રીજા બોલ પર બંને ટીમનો સ્કોર બરાબર હતો પરંતુ શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ આગલા બે બોલ પર શિવમ દુબે અને અર્શદીપ સિંહને એલબીડબલ્યુ કરીને તે શ્રીલંકાને હારમાંથી બચાવવા સફળ રહ્યો અને મેચ ટાઈ થઈ ગઈ.
બંને ટીમના પ્લેઇંગ 11
શ્રીલંકા: પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (વિકેટમાં), સદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા (કેપ્ટન), ઝેનિથ લિયાંગે, વાનિન્દુ હસરાંગા, ડુનિથ વેલાલેજ, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો, મોહમ્મદ શિરાઝ.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.








