Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RCB reached in IPL 2026 final after beating GT

VIDEO: ક્વોલિફાયર-1 જીતીને IPL 2026ની ફાઈનલમાં પહોંચી RCB, હારેલી ગુજરાતની ટીમને મળશે વધુ એક તક

Timeછેલ્લું અપડેટ : 27 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી ક્વોલિફાયર-1માં ગુજરાતની ટીમનો શરમજનક પરાજય થયો છે. બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન નોંધાવી ગુજરાતને જીતવા માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે ગુજરાતની ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મેચમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટ બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી, તો જેકોબ ડફી સહિતના બોલર્સે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

App Store

રજત પાટીદારના 33 બોલમાં 93 રન

બેંગલુરુ તરફથી કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 93 રનની તોફાની ઈનિંગ રમી હતી. ઓપનર વેંકટેશ અય્યરે આક્રમક શરૂઆત કરતા 7 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 19 રન ફટકાર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 25 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 43 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. મિડલ ઓર્ડરમાં દેવદત્ત પડિક્કલે 19 બોલમાં 5 ચોગ્ગા સાથે 30 રન બનાવ્યા હતા. ત્યારબાદ ક્રુણાલ પંડ્યાએ પણ શાનદાર બેટિંગ કરતા 28 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારીને 43 રન જોડ્યા હતા. લોઅર ઓર્ડરમાં ટિમ ડેવિડ 5 બોલમાં 4 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે જિતેશ શર્માએ અંતમાં ઝડપી બેટિંગ કરતા માત્ર 5 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 15 રન બનાવ્યા હતા.

રબાડા-હોલ્ડરની 2-2 વિકેટ

ગુજરાત તરફથી તરફથી જેસન હોલ્ડરે 4 ઓવરમાં 39 રન આપીને 2 વિકેટો, જ્યારે કગિસો રબાડાએ 4 ઓવરમાં 54 રન આપી 2 વિકેટ મેળવી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 ઓવરમાં 53 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજે 3 ઓવરમાં 46 રન, રાશિદ ખાને 3 ઓવરમાં 29 રન, કુલવંત ખેજરોલિયાએ 2 ઓવરના 31 રન આપ્યા, પરંતુ એકપણ વિકેટ નથી લઈ શક્યા.

ગુજરાતની ટીમનું કંગાળ પ્રદર્શન

ગુજરાત તરફથી જોસ બટલરે સૌથી વધુ આક્રમક બેટિંગ કરતા માત્ર 11 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 29 રન ફટકાર્યા હતા. ઓપનર સાઈ સુદર્શને 9 બોલમાં 3 ચોગ્ગા સાથે 14 રન, કેપ્ટન શુભમન ગિલે 7 બોલમાં માત્ર 2 રન, નિશાંત સિંધુ 3 બોલમાં 1 ચોગ્ગા સાથે 5 રન, વોશિંગ્ટન સુંદરે 8 બોલમાં 1 ચોગ્ગા સાથે 8 રન, જેસન હોલ્ડરે શૂન્ય રને, રાશિદ ખાને 9 બોલમાં 1 છગ્ગાની મદદથી 8 રન અને કગિસો રબાડાએ 5 બોલમાં 2 ચોગ્ગા સાથે 9 રન નોંધાવ્યા હતા.

બેંગલુરુ તરફથી જેકોબ ડફીની 3 વિકેટ

બેંગલુરુ તરફથી જેકબ ડફી સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે ગુજરાત ટાઈટન્સના 3 બેટર્સને આઉટ કરીને સૌથી વધુ 3 વિકેટો ઝડપી હતી. યુવા બોલર રસિક સલામે પણ શાનદાર પ્રદર્શન કરતા 2 મહત્ત્વની સફળતા મેળવી હતી. આ સિવાય અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે પણ 2 વિકેટ ખેરવી છે. જ્યારે જોશ હેઝલવુડ અને ઓલરાઉન્ડર ક્રુણાલ પંડ્યાએ 1-1 વિકેટ ઝડપી હતી.

IPLમાં પ્લેઓફની મેચોમાં અત્યાર સુધીમાં RCBનો સૌથી મોટો સ્કોર

ક્વોલિફાયર-1માં બેંગલુરુએ ઈતિહાસ રચી દીધો છે. RCBએ 20 ઓવરમાં 5 વિકેટે 254 રન બનાવી દીધા, જે IPLના ઈતિહાસમાં પ્લેઓફમાં સૌથી મોટો સ્કોર છે. 

  • 254/5 - RCB vs GT (ધર્મશાલા, 2026)
  • 233/3 - GT vs MI (અમદાવાદ, 2023)
  • 228/5 - MI vs GT (ન્યુ ચંદીગઢ, 2025)
  • 226/6 - PBKS vs CSK (વાનખેડે, 2014)
  • 222/5 - CSK vs DC (ચેન્નઈ, 2012)

હવે ગુજરાતનો ક્વોલિફાયર-2માં મુકાબલો, ફાઈનલમાં પહોંચવાની તક

IPL 2026ની ક્વોલિફાયર-1માં  રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે ગુજરાત ટાઈટન્સ (GT) ની હાર થયા બાદ હવે ગુજરાતની ટીમે ફાઈનલમાં પહોંચવા માટે વધુ એક મેચ રમવી પડશે. IPLના નિયમ મુજબ, ક્વોલિફાયર-1 હારેલી ગુજરાતની ટીમે હવે 29 મેના રોજ ક્વોલિફાયર-2 મેચ રમવી પડશે.

એલિમિનેટર મેચમાં જે ટીમ જીતશે તેની ગુજરાત સામે મેચ

ક્વોલિફાયર-1 પછી 27 મેએ એલિમિનેટર મેચ રમાવાની છે, જેમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આમાંથી જે ટીમ હારશે તે બહાર ફેંકાઈ જશે અને જે જીતશે તેને ક્વોલિફાયર-2માં રમવાની તક મળશે. એટલે કે તે ટીમ ગુજરાત ટાઈટન્સ સામે રમશે.

31 મેએ ફાઈનલ મેચ

ક્વોલિફાયર-1 મેચ જીતનારી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. RCB સતત બીજી વખત IPL ફાઈનલમાં પહોંચી છે. IPL 2025માં ફાઈનલ જીતીને ટીમ પહેલી વખત ચેમ્પિયન બની હતી.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

RCB: વેંકટેશ અય્યર, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જેકબ ડફી, જોશ હેઝલવુડ અને રસિક સલામ ડાર.

GT: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, કુલવંત ખેજરોલિયા, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.