પહેલા બેટથી મારવા ગયો... હવે ગળે મળી ગણાવ્યો નાનો ભાઈ, મેદાન પર ઝઘડ્યા બાદ પૃથ્વી શોએ મુશીર ખાનની માફી માંગી

રણજી ટ્રોફી 2025-26ની શરૂઆત પહેલા મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. મહારાષ્ટ્રના ઓપનર પૃથ્વી શો તેની જુની મુંબઈ ટીમના ખેલાડી મુશીર ખાન સાથે મેદાન પર ઝઘડ્યો હતો.
પૃથ્વી શો મુશીરને મળ્યો અને માફી માંગી
જોકે, હવે આ વિવાદનો અંત આવી ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે પૃથ્વી શો મુશીરને મળ્યો અને માફી માંગી. ત્યારે ત્રીજા દિવસે મહારાષ્ટ્રની ઈનિંગ ચાલી રહી હતી, વિકેટ પડ્યા પછી પૃથ્વી શો ખુદ મુશીરની પાસે ગયો હતો. પૃથ્વીએ મુશીરને ગળે લગાવીને પોતાનો નાનો ભાઈ કહ્યો.
મુશીરને ગળે લગાવી કહ્યું, નાના ભાઈ જેવો છે
આ વિવાદ ત્યારે થયો, જ્યારે પૃથ્વી શો 181 રનોની શાનદાર ઈનિંગ રમ્યા બાદ મુશીર ખાન દ્વારા આઉટ થયો હતો. ઈરફાન ઉમૈરે તેને કેચ આઉટ કર્યો હતો. મહારાષ્ટ્રની ઈનિંગ દરમિયાન વિકેટ પડ્યા પછી પૃથ્વી શો વ્યક્તિગત રીતે મુશીર પાસે ગયો. પૃથ્વીએ મુશીરને ગળે લગાવ્યો અને કહ્યું કે, "તું મારા નાના ભાઈ જેવો છે."
અમ્પાયરે પરિસ્થિતિ શાંત કરવા દરમિયાનગીરી કરી હતી
વિકેટ લીધા પછી, મુશીરે તેનો આભાર માન્યો, જેથી પૃથ્વી ગુસ્સે થયો. વીડિયો ફૂટેજમાં શો તેનું બેટ ઊંચું કરીને મુશીર તરફ આગળ વધતો જોવા મળ્યો હતો. ત્યારબાદ અમ્પાયરે પરિસ્થિતિ શાંત કરવા માટે દરમિયાનગીરી કરી. રિપોર્ટ પ્રમાણે, મુંબઈના ખેલાડીઓની સતત સ્લેજિંગથી પૃથ્વી શો નારાજ હતો. તેથી ગુસ્સામાં આવી તેણે બેટ ઉંચુ કરીને મુશીરની કોલર પકડવાનો પ્રયાસ કર્યો હતો. પૃથ્વી શો આ સિઝનમાં મહારાષ્ટ્ર માટે રમી રહ્યો છે. તેણે તે મેચમાં અર્શીન કુલકર્ણી સાથે 305 રનની મોટી પાર્ટનરશિપ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પૃથ્વી શો તેની રમત કરતાં તેના અનુશાસનહીન વ્યવહાર માટે વધુ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. જોકે, મુશીરની માફી માંગીને તેણે એક સકારાત્મક સંદેશ આપ્યો છે, કે તે ક્રિકેટ પર ફરી ફોકસ કરવા માંગે છે.

