Paris Paralympic 2024 / પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો 26મો મેડલ
પેરિસ પેરાલિમ્પિકના 9માં દિવસે ભારતના પેરા એથ્લેટ પ્રવીણ કુમારે કમાલ કરી છે. તેણે હાઈ જમ્પ T64મ

પેરિસ પેરાલિમ્પિકના 9માં દિવસે ભારતના પેરા એથ્લેટ પ્રવીણ કુમારે કમાલ કરી છે. તેણે હાઈ જમ્પ T64માં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારતના હિસ્સામાં આ છઠ્ઠો ગોલ્ડ છે. પ્રવીણે 2.08 મીટર જમ્પ કરીને મેડલ જીત્યો છે. આ સાથે પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતના મેડલની સંખ્યા 26 થઈ ગઈ છે.
પ્રવીણ કુમારે યુએસએ અને ઉઝબેકિસ્તાનના પેરા એથ્લેટ્સને હરાવ્યા
હાઈ જમ્પ T64ની ફાઈનલ ઈવેન્ટમાં પ્રવીણ કુમારે અમેરિકા અને ઉઝબેકિસ્તાનના પેરા એથ્લેટ્સને હરાવ્યા હતા. પ્રવીણે 2.08 મીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો, જ્યારે અમેરિકન પેરા એથ્લેટ ડેરેક લોકિડેન્ટે 2.06 મીટરની ઉંચી છલાંગ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ઉઝબેકિસ્તાનના તેમુરબેક ગિયાઝોવ 2.03 મીટર કૂદીને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ પહેલા પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ભારત માટે અત્યાર સુધીની સૌથી સફળ પેરાલિમ્પિક
પ્રવીણ કુમારે ગોલ્ડ મેડલ જીત્યા બાદ પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે કુલ 19 મેડલ જીત્યા હતા, જેમાં 5 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. આ વખતે પેરાલિમ્પિકમાં ભારત અત્યાર સુધી 26 મેડલ જીતવામાં સફળ રહ્યું છે. અવની લખેરા, નિતેશ કુમાર, સુમિત અંતિલ, હરવિંદર સિંહ, ધરમબીર અને પ્રવીણ કુમારે પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે.






