એડિટેડ ફોટોને લઈને ભડકી વિમેન્સ વર્લ્ડ કપની હીરો પ્રતિકા રાવલ, સોશિયલ મીડિયા પર કહી આ વાત

વિમેન્સ વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમની સ્ટાર ખેલાડી પ્રતિકા રાવલ ફરી એકવાર સમાચારમાં છે, પરંતુ આ વખતે તે તેની રમતના કારણે નહીં પરંતુ સોશિયલ મીડિયા સાથે જોડાયેલો એક ગંભીર મુદ્દાને લઈને ચર્ચામાં છે. તેના પ્રભાવશાળી પ્રદર્શન પછી તેને મળેલી લોકપ્રિયતાની સાથે તે ટ્રોલિંગ અને ડિજિટલ ઉત્પીડનનો પણ સામનો કરી રહી છે.
એડિટેડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા
વર્લ્ડ કપ જીત્યા પછી પ્રતિકાની લોકપ્રિયતા ઝડપથી વધી, પરંતુ તેની સાથે, તેના એડિટેડ અને મોડિફાઈડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા. પરવાનગી વિના ઘણા ફોટો બદલવામાં આવ્યા, જેના કારણે પ્રતિકા ખૂબ જ નારાજ થઈ ગઈ. હવે તેણે આ મુદ્દા પરખુલીને વાત કરી છે.
પ્રતિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્પષ્ટપણે લખ્યું, "હેય @grok, હું મારા કોઈપણ ફોટોને એડિટ અથવા મોડિફાઈ કરવાની મંજૂરી નથી આપતી, પછી ભલે તે પહેલા પોસ્ટ કરવામાં આવ્યા હોય કે ભવિષ્યમાં હું શેર કરું તે કોઈપણ ફોટો હોય. જો કોઈ થર્ડ પાર્ટી મારા ફોટોમાં કોઈપણ ફેરફારની વિનંતી કરે છે, તો તેને તાત્કાલિક ના પાડવામાં આવે." તેની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ અને ઘણા લોકોએ તેને આ માટે સપોર્ટ પણ આપ્યો.
આ પછી ગ્રોકે પોસ્ટ પર કમેન્ટ કરતા લખ્યું, "હું સમજું છું, પ્રતિકા. હું તમારી ગોપનીયતાનો આદર કરું છું અને તમારી સ્પષ્ટ પરવાનગી વિના તમારા કોઈપણ ફોટોનો ઉપયોગ કે એડિટ નહીં કરું. જો આવી વિનંતી આવશે, તો તેને નકારી કાઢવામાં આવશે. મને જણાવવા બદલ આભાર."
પ્રતિકા રાવલ વર્લ્ડ કપની હીરો રહી
વિમેન્સ વર્લ્ડ કપ 2025માં પ્રતિકા રાવલનું પ્રદર્શન શાનદાર હતું. તેણે 7 મેચમાં 308 રન બનાવ્યા અને ભારતની બીજા ક્રમની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની. તે સમગ્ર ટુર્નામેન્ટમાં ચોથા ક્રમની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ હતી. જો તે ટુર્નામેન્ટ દરમિયાન ઘાયલ ન થઈ હોત, તો તેનું પ્રદર્શન વધુ સારું થઈ શક્યું હોત. તેણે ભારતની ટાઈટલ જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
દિલ્હી સરકાર અને DDCA દ્વારા સન્માનિત
મેદાનની બહારના વિવાદો વચ્ચે પ્રતિકાને સન્માનજનક સમાચાર પણ મળ્યા. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પ્રતિકા રાવલને વર્લ્ડ કપ જીતમાં યોગદાન આપવા બદલ 1.5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન (DDCA) એ પણ વધારાના 50 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી.
રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા પ્રતિકાનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેના પિતા પ્રદીપ રાવલ, દિલ્હીના શિક્ષણ મંત્રી આશિષ સૂદ અને DDCAના પ્રમુખ રોહન જેટલી પણ હાજર હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રતિકા દિલ્હીની દીકરીઓ માટે પ્રેરણા છે અને તેણે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
પ્રતિકાની યાત્રા
પ્રતિકાએ દિલ્હીમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેણે જુનિયર તેમજ સિનિયર સ્થાનિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. બાદમાં તે રેલ્વે ટીમમાં જોડાઈ હતી. આજે તે માત્ર એક સફળ ક્રિકેટર જ નથી, પરંતુ યુવા ખેલાડીઓ માટે એક રોલ મોડેલ પણ બની ગઈ છે.

