ઋતુરાજ ગાયકવાડને બહાર કરવા અને આ ખેલાડીને સ્થાન મળવા અંગે ભડક્યો ભૂતપૂર્વ ક્રિકેટર, અજિત અગરકર પર સાધ્યું નિશાન

અજિત અગરકરની આગેવાની હેઠળની સિનિયર સિલેક્શન કમિટીએ શનિવારે ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટર્સે આ પસંદગી પર પ્રશ્નો ઉઠાવ્યા છે, જેમાં સુબ્રમણ્યમ બદ્રીનાથનો પણ સમાવેશ થાય છે. બદ્રીનાથ ઋતુરાજ ગાયકવાડના બહાર થવાથી નારાજ છે અને તેણે સિલેક્શન કમિટીની વિચારસરણી પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
ગાયકવાડે સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝની બીજી મેચમાં સદી ફટકારી હતી. તેણે નંબર-4 પર બેટિંગ કરતા આ સદી ફટકારી હતી, જે તેનું સ્થાન નથી. ગાયકવાડ ઓપનર છે, પરંતુ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની હાજરીને કારણે તેને ચોથા નંબર પર બેટિંગ કરવી પડી હતી.
નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સ્થાન કેમ મળ્યું?
બદ્રીનાથે કહ્યું છે કે નીતિશ કુમાર રેડ્ડીની જગ્યાએ ગાયકવાડને ટીમમાં સામેલ કરી શકાયો હોત, પરંતુ સિલેક્ટર્સે તેમ ન કર્યું, પોતાની યુટ્યુબ ચેનલ પર બોલતા બદ્રીનાથે કહ્યું કે તે નીતિશની પસંદગી પાછળનું કારણ નથી સમજી શક્યો. તેનું માનવું છે કે ટીમમાં પહેલાથી જ ઓલરાઉન્ડર હતા, તો ગાયકવાડને બદલે નીતિશને કેમ પસંદ કરવામાં આવ્યો?
તેણે કહ્યું, "ટીમમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરના રૂપમાં પહેલાથી જ બે ઓલરાઉન્ડર છે. નીતિશ કુમાર રેડ્ડી પણ ટીમમાં છે. મને સમજાતું નથી કે તે ટીમમાં કેમ છે. નીતિશ એક ઓલરાઉન્ડર છે, પરંતુ તે પોતાની બોલિંગમાં દરેક જગ્યાએ માર ખાઈ રહ્યો છે. ઋતુરાજ ગાયકવાડને પસંદ કરવામાં આવવો જોઈતો હતો. તે ટીમમાં કેમ નથી, અને નીતિશ ટીમમાં કેમ છે?"
નીતિશની અવારનવાર ટીકા થતી રહે છે
નીતિશ કુમાર રેડ્ડીને હાર્દિક પંડ્યાના સ્થાને જોવામાં આવી રહ્યો છે, પરંતુ તેની બોલિંગ દરેક માટે ચિંતાનો વિષય છે. કેપ્ટન ટેસ્ટમાં તેના પર વિશ્વાસ નથી કરતો અને ભાગ્યે જ તેને બોલિંગ કરે છે. ODIમાં પણ પરિસ્થિતિ આવી જ છે, જેમાં કેપ્ટન તેને વધુ બોલિંગ નથી આપતો નથી. નીતિશ મોટાભાગે બેટ્સમેન તરીકે જ રમે છે.

