'ક્યારેય હાર ન માનો', ઋતુરાજ ગાયકવાડના સપોર્ટમાં આવ્યો રવિચંદ્રન અશ્વિન, સોશિયલ મીડિયા પર કહી આ વાત

ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ન્યુઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની ODI ટીમમાંથી બહાર થયા બાદ ઋતુરાજ ગાયકવાડ માટે એક મોટિવેશનલ મેસેજ શેર કર્યો છે. BCCI દ્વારા શનિવાર, 3 જાન્યુઆરીના રોજ 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી મહારાષ્ટ્રના બેટ્સમેનને સાઉથ આફ્રિકા સામે ભારતની પાછલી ODI સિરીઝમાં સારા પ્રદર્શન છતાં બહાર કરવામાં આવ્યો હતો.
ગાયકવાડ સાઉથ આફ્રિકા સામે ચમક્યો હતો
28 વર્ષીય ઋતુરાજ ગાયકવાડ સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચમાં રમ્યો હતો, તેણે મિડલ ઓર્ડરમાં નંબર 4 પર બેટિંગ કરી હતી. તે રાંચીમાં ફક્ત આઠ રન બનાવી શક્યો, પરંતુ તેણે રાયપુરમાં તકનો પૂરો લાભ ઉઠાવ્યો અને 83 બોલમાં 105 રન બનાવીને તેની પ્રથમ ODI સદી ફટકારી હતી.
અશ્વિને એક પ્રેરક સંદેશ લખ્યો
જોકે, ટીમમાં વાઈસ-કેપ્ટન શ્રેયસ અય્યરનાની વાપસીને કારણે ગાયકવાડને બહાર કરવામાં આવ્યો હતો. આ અંગે પ્રતિક્રિયા આપતા, અશ્વિને 'X' પર ભારતીય બેટ્સમેન માટે એક મોટિવેશનલ મેસેજ શેર કર્યો હતો, જેમાં લખ્યું, "તમે ગમે તેવું અનુભવો, ઉઠો, તૈયાર થાઓ, તમારા પેડ પહેરો, મેદાનમાં આવો અને ક્યારેય હાર ન માનો. તે મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે આવી જ સ્પર્ધા છે."ગાયકવાડે ભારત માટે 9 ODI રમી છે, જેની 8 ઈનિંગ્સમાં તેણે 28.50ની એવરેજ અને 89.76ના સ્ટ્રાઇક રેટથી 228 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે.
વિજય હજારે ટ્રોફીમાં ઉત્તમ પ્રદર્શન
ઋતુરાજ ગાયકવાડ વર્તમાન વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્રનું નેતૃત્વ કરી રહ્યો છે. 28 વર્ષીય ખેલાડી ઉત્તમ ફોર્મમાં છે, તેણે 5 ઈનિંગ્સમાં 64.25ની એવરેજ અને 20.65ના સ્ટ્રાઇક રેટથી 257 રન બનાવ્યા છે, જેમાં એક અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે, તેનો હાઈએસ્ટ સ્કોર 124 રન છે, જે ઉત્તરાખંડ સામે આવ્યો હતો. ગાયકવાડે અત્યાર સુધી 97 લિસ્ટ A મેચ રમી છે, જેમાં 93 ઈનિંગ્સમાં 57.69ની એવરેજ અને 102.06ના સ્ટ્રાઇક રેટથી 4,904 રન બનાવ્યા છે. તેણે 19 અડધી સદી અને 19 સદી ફટકારી છે, તેની કારકિર્દીની શ્રેષ્ઠ ઈનિંગ અણનમ 220 રન છે.

