મુસ્તફિઝુર રહેમાન IPLમાંથી બહાર થતા એક્શનમાં આવ્યું બાંગ્લાદેશ બોર્ડ, T20 વર્લ્ડ કપ માટે ICCને કરી અપીલ

ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્દેશ બાદ 3 જાન્યુઆરીના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આગામી IPL પહેલા બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમમાંથી રિલીઝ કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતા રાજકીય તણાવને પગલે BCCIએ આ પગલું ભર્યું છે. KKRએ ગયા મહિને IPL મિની ઓક્શનમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરને 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે મુસ્તફિઝુર રહેમાનના IPLમાંથી બહાર થયા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે રાત્રે 9:30 વાગ્યે એક ઈમરજન્સી મીટિંગ બોલાવી, જેમાં T20 વર્લ્ડ કપ મેચો પર પણ ચર્ચા કરવામાં આવી.
બાંગ્લાદેશ બોર્ડ ખેલાડીઓની સલામતી અંગે ચિંતિત
બાંગ્લાદેશ હવે ઈચ્છે છે કે તેની T20 વર્લ્ડ કપ મેચો ભારતથી શ્રીલંકામાં ખસેડવામાં આવે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધિકારીઓ આના ઉકેલ માટે ICCને પત્ર લખશે. ભારત અને શ્રીલંકા T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કરવાના છે. બાંગ્લાદેશ કોલકાતામાં ત્રણ મેચ રમવાનું છે. જોકે, બાંગ્લાદેશ બોર્ડના અધિકારીઓ કોલકાતામાં રમાનાર મેચ પહેલા તેના ખેલાડીઓની સલામતી અંગે ચિંતિત છે. તેથી, તે ઈચ્છે છે કે તેની મેચ શ્રીલંકામાં રમાય.
BCB ICCને પત્ર લખશે
3 જાન્યુઆરીએ Zoom પર BCB બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઈમરજન્સી મીટિંગ બાદ મીડિયા કમિટીના અધ્યક્ષ અમજદ હુસૈને જણાવ્યું હતું કે, "T20 વર્લ્ડ કપમાં અમારી 3 મેચ કોલકાતામાં રમાવાની છે, તેથી અમે આજે જે થયું તે અંગે ICCને લખીશું." બાંગ્લાદેશના રમતગમત સલાહકાર આસિફ નઝરુલે જણાવ્યું હતું કે તે ભારતમાં ટીમની સલામતી અંગે ચિંતિત છે, કારણ કે BCCIએ તાજેતરની ઘટનાઓને IPLમાંથી મુસ્તફિઝુરને દૂર કરવાનું કારણ ગણાવ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે તે ICCને પત્ર લખીને ટીમની મેચ શ્રીલંકામાં ખસેડવા વિનંતી કરશે.
આસિફ નઝરુલે ખેલાડીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી
નઝરુલે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર લખ્યું, "મેં BCBને આ સમગ્ર મામલો ICCને સમજાવવા કહ્યું છે. બોર્ડે જણાવવું જોઈએ કે જ્યારે કોઈ બાંગ્લાદેશી ક્રિકેટર કોન્ટ્રાક્ટ હોવા છતાં ભારતમાં નથી રમી શકતો ત્યારે આખી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ માટે ભારતમાં કેવી રીતે સુરક્ષિત અનુભવી શકે છે. મેં બોર્ડને એ પણ સૂચના આપી છે કે તે ICCને બાંગ્લાદેશની વર્લ્ડ કપ મેચ શ્રીલંકામાં ખસેડવા વિનંતી કરે."

