IND-U19 vs SA-U19 / વૈભવ સૂર્યવંશીની તોફાની ઈનિંગના દમ પર ભારતે સાઉથ આફ્રિકાને હરાવ્યું, 2-0થી જીતી ODI સિરીઝ

ભારતીય અંડર-19 ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં ત્રણ મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. જેમાં ભારતે પહેલી મેચ DLS પદ્ધતિથી જીતી હતી, જ્યારે બીજી મેચ 5 જાન્યુઆરીએ રમાઈ હતી. ભારતે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને જીત મેળવી હતી. વૈભવ સૂર્યવંશીએ ધમાકેદાર અડધી સદી ફટકારી, જેનાથી ભારતને જીત મળી
સાઉથ આફ્રિકાએ 245 રન બનાવ્યા
સાઉથ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી, જ્યારે ઓપનર જોરિચ વેન શાલ્કવિકે 20 બોલમાં 10 રન બનાવ્યા, અને અદનાન લગદિયને 24 બોલમાં 25 રન બનાવ્યા. કેપ્ટન મોહમ્મદ બુલબુલિયા પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો અને તેણે 14 બોલમાં માત્ર 14 રન જ બનાવ્યા. જોકે, ચોથા નંબર પર બેટિંગ કરી રહેલા જેસન રોલ્સે સદી ફટકારી હતી. તેણે 113 બોલમાં 114 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ડેનિયલ બોસમેને 63 બોલમાં 31 રન બનાવ્યા. આમ સાઉથ આફ્રિકાએ 49.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા. ભારત તરફથી કિશન સિંહે 8.3 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે આરએસ એમ્બ્રીસે 2 વિકેટ લીધી હતી અને દીપેશ દેવેન્દ્રન, કનિષ્ક ચૌહાણ અને ખિલાન પટેલે 1-1 વિકેટ લીધી હતી.
ભારતે 175 રનનો લક્ષ્યાંક આપ્યો
ટાર્ગેટ ચેઝ કરતા ભારતીય ઓપનર વૈભવ સૂર્યવંશીએ 24 બોલમાં 68 રન બનાવ્યા, જેમાં 10 છગ્ગા અને 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે. એરોન જ્યોર્જે પણ 19 બોલમાં 20 રન બનાવ્યા હતા.
આ પછી વરસાદ આવ્યો અને રમત લાંબા સમય સુધી રોકાઈ ગઈ. વરસાદ બાદ અમ્પાયર્સે ભારતને 27 ઓવરમાં 175 રનનો ટાર્ગેટ આપ્યો. ભારત તરફથી બંને ઓપનર્સ સિવાય વેદાંત ત્રિવેદીએ 57 બોલમાં 31 રન અને અભિજ્ઞાન કુંડુએ 42 બોલમાં 48 રન બનાવ્યા. તેમની ઈનિંગની મદદથી ભારતે સરળતાથી ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી લીધી અને સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી.

