ILT20 Final / સેમ કરનની કેપ્ટનશિપ હેઠળની ટીમ બની ચેમ્પિયન, 16 વર્ષ બાદ ફાઈનલ હારી MI

ઈન્ટરનેશનલ T20 લીગ (ILT20) ને તેનો નવો ચેમ્પિયન મળ્યો છે. 4 જાન્યુઆરી, 2025ના રોજ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ILT20 ફાઈનલમાં સેમ કરનની કેપ્ટનશિપ હેઠળની ડેઝર્ટ વાઈપર્સે MI અમીરાતને 46 રનથી હરાવીને ઈતિહાસ રચ્યો છે.
અગાઉની બે સિઝનમાં ફાઈનલમાં હારનો સામનો કર્યા બાદ ડેઝર્ટ વાઈપર્સે MI અમીરાતને હરાવીને પહેલીવાર ટાઈટલ જીત્યું. આ સાથે મુંબઈની ટીમનો 16 વર્ષમાં પહેલીવાર ફાઈનલ હારી. અગાઉ જ્યારે પણ આ ફ્રેન્ચાઈઝી કોઈ T20 લીગની ફાઈનલમાં પહોંચી હતી તેને જીત મળી હતી. તે છેલ્લી વખત IPL 2010માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ફાઈનલ હારી હતી.
કેપ્ટન કરનની મોટી ઈનિંગ
ILT20 ફાઈનલનું દબાણ ઘણીવાર મોટી ટીમોને પણ પરેશાન કરે છે, પરંતુ ડેઝર્ટ વાઈપર્સના કેપ્ટન સેમ કરને આવું ન થવા દીધું. ફાઈનલમાં પહેલા બેટિંગ કરતા ડેઝર્ટ વાઈપર્સની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ સેમ કરને મેદાન પર આવતાની સાથે જ કમાન સંભાળી લીધી. તેણે ટીમની ઈનિંગને સંભાળતા 51 બોલમાં અણનમ 74 રનની શાનદાર ઈનિંગ રમી, જેમાં તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ તેની ILT20 કારકિર્દીનો હાઈએસ્ટ સ્કોર પણ છે.
મેક્સ હોલ્ડન (41) સાથેની તેની 89 રનની પાર્ટનરશીપે મેચને વાઈપર્સના પક્ષમાં ફેરવી દીધી. અંતે, ડેન લોરેન્સની ઝડપી ઈનિંગને કારણે વાઈપર્સે 4 વિકેટે 182 રન બનાવ્યા.
મુંબઈની ઈનિંગ
183 રનનો ટાર્ગેટ ચેઝ કરતા MI અમીરાતની શરૂઆત ખરાબ રહી. પાકિસ્તાની ફાસ્ટ બોલર નસીમ શાહે પાવરપ્લેમાં બે મોટા ઝટકા સાથે MI અમીરાતની મુશ્કેલી વધારી. શાકિબ અલ હસન અને કિરોન પોલાર્ડે મિડલ ઓર્ડરમાં ટકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખુઝૈમા તનવીર અને ઉસ્માન તારિકની બોલિંગે રન ફ્લો પર બ્રેક લગાવી.
ડેવિડ પેને લોઅર ઓર્ડરને સમેટતા MI અમીરાતની ઈનિંગને 136 રન પર રોકી દીધી. આખી ટીમ 18.3 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ અને વાઈપર્સે 46 રનથી મેચ અને ટ્રોફી બંને પોતાના નામે કર્યા.

