VIDEO: ટીમ ઇન્ડિયા સાથે PM મોદીએ ફોન પર કરી વાત, રોહિતની કેપ્ટન્સીની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમ સાથે ફોન પર વાત કરી હતી અને ટીમને શુભકામના પાઠ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમ સાથે ફોન પર વાત કરી હતી અને ટીમને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ રોહિત શર્માને તેની શાનદાર કેપ્ટન્સી માટે શુભેચ્છા પાઠવી હતી અને ટી-20 કરિયરની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ્સ અને ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટી-20 વર્લ્ડકપ જીત્યા બાદ ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી.
પીએમ મોદીએ હાર્દિક-સૂર્યકુમારની પ્રશંસા કરી
પીએમ મોદીએ હાર્દિક પંડ્યાની તેની અંતિમ ઓવર અને સૂર્યકુમાર યાદવને તેના કેચ માટે પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ જસપ્રીત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી છે. પીએમ મોદીએ ભારતીય ક્રિકેટમાં યોગદાન માટે કોચ રાહુલ દ્રવિડનો પણ આભાર માન્યો હતો. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં સારી બોલિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવે ખતરનાક દેખાતા ડેવિડ મિલ્લરનો કેચ પકડ્યો હતો જેને કારણે આખી મેચ જ પલટાઇ ગઇ હતી. આ રીતે બુમરાહે પોતાની શાનદાર બોલિંગના દમ પર ભારતીય ટીમને મેચમાં વાપસી કરાવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું. ભારત બીજી વખત ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું છે. આ પહેલા એમએસ ધોનીની કેપ્ટન્સીમાં 2007માં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે જસપ્રીત બુમરાહને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.






