મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પાકિસ્તાન T20 વર્લ્ડકપમાંથી બહાર, અમેરિકાએ સુપર-8માં પહોંચી રચ્યો ઇતિહાસ

પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયું છે. ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શનની સાઇડ-ઇફેક્ટ એવી થઇ કે બાબર આઝમની ટીમની હ

પાકિસ્તાન T20 વર્લ્ડકપમાંથી બહાર, અમેરિકાએ સુપર-8માં પહોંચી રચ્યો ઇતિહાસ

પાકિસ્તાન ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયું છે. ટી-20 વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શનની સાઇડ-ઇફેક્ટ એવી થઇ કે બાબર આઝમની ટીમની હજુ પણ એક મેચ બાકી છે પરંતુ આ પહેલા તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ છે. ફ્લોરિડામાં વરસાદને કારણે આયરલેન્ડ અને અમેરિકાની મેચ રમાઇ શકી નહતી અને અમેરિકાની ટીમને એક પોઇન્ટ મળ્યો હતો. આ સાથે જ તે સુપર-8માં પહોંચી ગઇ છે. પાકિસ્તાનની ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઇ ગઇ છે.

પાકિસ્તાનની ટીમે ટી-20 વર્લ્ડકપમાં ખરાબ શરૂઆત કરી હતી. બાબર આઝમની કેપ્ટન્સીમાં આ ટીમ પોતાની શરૂઆતની બન્ને મેચ હારી ગઇ હતી. આ હારથી 2022 એડિશનમાં ફાઇનલ રમનારી પાકિસ્તાનની ટીમ પર ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવાનો ખતરો મંડરાઇ રહ્યો હતો. તે બાદ ટીમે કેનેડાને હરાવીને જીતનું ખાતુ ખોલ્યુ હતું. ભારતે તે પછી અમેરિકાને હરાવ્યું હતું. પાકિસ્તાનની અંતિમ મેચ 16 જૂને આયરલેન્ડ વિરૂદ્ધ રમાશે. ફ્લોરિડામાં રમાનાર આ મેચ ટીમ માટે ઔપચારિક મેચ હશે.

ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થયું પાકિસ્તાન

પાકિસ્તાનની ટીમ સુપર-8 રાઉન્ડમાં જવા માટે પોતાની જીત સિવાય અમેરિકાની હાર પર નિર્ભર હતી. અમેરિકા જો પોતાની બાકી રહેલી બન્ને મેચ હારી જાત તો કેપ્ટન બાબર આઝમની કેપ્ટન્સીમાં આ ટીમ પાસે આયરલેન્ડને હરાવીને આગળ વધવાની તક હતી. અમેરિકાને ભારતે હરાવી દીધા પરંતુ આયરલેન્ડ વિરૂદ્ધ રમાનાર મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ હતી જેનાથી અમેરિકાને એક પોઇન્ટ મળ્યો હતો અને તેના 5 પોઇન્ટ થઇ ગયા હતા. પાકિસ્તાન મેચ જીતીને પણ 4 પોઇન્ટ સુધી જ પહોંચી શકતુ હતું, માટે તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું.

પાકિસ્તાનના ફ્લોપ થવા પાછળનું કારણ

પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે મતભેદ ટીમના ખરાબ પ્રદર્શનનું સૌથી મોટું કારણ બન્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ એકજુટ જોવા મળી નહતી. ઇમાદ વસીમ અને મોહમ્મદ આમિર ખાસ પ્રદર્શન કરી શક્યા નહતા. શાહિન આફ્રિદી અને બાબર આઝમ વચ્ચે વાતચીત બંધ છે. જોકે, બોલરોએ તો દમ બતાવ્યો પરંતુ બેટ્સમેન પુરી રીતે ફ્લોપ રહ્યાં હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડી પણ આ વખતે ચાલી શકી નહતી. બન્નેએ મળીને 183 રન બનાવ્યા પરંતુ ઘણી ધીમી બેટિંગ કરી હતી.

ટીમનો મિડલ ઓર્ડર અને લોઅર ઓર્ડરનું ફ્લોપ પ્રદર્શન ચાલુ રહ્યું હતુ. ઉસ્માન ખાન, ઇફ્તિખાર અહેમદ, ઇમાદ વસીમ, આઝમ ખાન અને શાદાબ ખાન ફેલ થઇ ગયા. પાકિસ્તાન પહેલા અમેરિકા અને પછી ભારત સામે હારી ગયું અને હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયું છે. 

નિશાના પર આ ખેલાડી

અમેરિકા અને ભારત સામે ટી-20 વર્લ્ડકપમાં હાર બાદ PCB ચેરમેન મોહસીન નકવીએ મોટી સર્જરીની વાત કહી હતી. પહેલા જ કેટલાક ખેલાડી નિશાના પર હતા. હવે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ જતા ટીમમાં કેટલાક બદલાવ થઇ શકે છે. USA સામે હાર બાદ પાકિસ્તાનની ટીમમાં થોડા ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા જેમાં આઝમ ખાનનું પત્તુ ટીમમાંથી સાફ થઇ ગયુ હતું. હવે ઓપનર સાયમ અયુબ, શાદાબ ખાન, ઇફ્તિખાર અહેમદ, ઉસ્માન ખાન જેવા ખેલાડીઓ પર PCB એક્શન લઇ શકે છે. ખરાબ પ્રદર્શન છતા બાબર આઝમની કેપ્ટન્સી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી રહી શકે છે.

આ સમાચાર શેર કરો