IND A vs PAK A: પાકિસ્તાન 313 રનમાં ઓલઆઉટ; ત્રણ બેટ્સમેનોની ફિફ્ટી, મેદાન પર ખેલાડીઓ વચ્ચે બોલાચાલી

એસીસી મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ (50 ઓવર્સ) 2026 ટુર્નામેન્ટની ગ્રુપ-B ની 8મી મેચમાં ભારત A અને પાકિસ્તાન A વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો ખેલાઈ રહ્યો છે. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે 22 નવેમ્બરે રમાઈ રહેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન A ની ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. આ સાથે જ ભારત A ને જીતવા માટે 314 રનનો લક્ષ્યાંક મળ્યો છે.
હસન નવાઝ, માઝ સદાકત અને ફરહાન યુસુફની અડધી સદી
પાકિસ્તાન A તરફથી ઓપનર શમીલ હુસૈને 23 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 33 રન બનાવીને ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેના સાથી ઓપનર માઝ સદાકતે સંયમિત બેટિંગ કરતા 60 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રનની અડધી સદી ફટકારી હતી. જોકે, વિકેટકીપર બેટર રોહેલ નઝીર 3 બોલ રમીને ખાતું ખોલાવ્યા વગર જ શૂન્ય રને આઉટ થયો હતો. ત્યારબાદ ચોથા ક્રમે આવેલા હસન નવાઝે સૌથી વધુ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 82 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન અબ્દુલ સમદે 35 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 28 રનનું યોગદાન આપ્યું હતું. નીચલા મધ્યમ ક્રમમાં ફરહાન યુસુફે આક્રમક બેટિંગ કરતા 48 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. મોહમ્મદ ઇમરાને 14 બોલમાં 1 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 23 રન ફટકાર્યા હતા, જ્યારે સાદ મસૂદે 13 બોલમાં 1 ચોગ્ગા સાથે 9 રન બનાવ્યા હતા. અંતમાં અહેમદ દાનિયાલે 9 બોલમાં 1 ચોગ્ગા સાથે 8 રન અને અલી રઝાએ 3 બોલમાં 2 રન બનાવ્યા હતા, જ્યારે સુફિયાન મુકીમ 5 બોલમાં 3 રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાન A ના ખાતામાં 13 એક્સ્ટ્રા રન પણ ઉમેરાયા હતા.
4 બોલરોએ ઝડપી 2-2 વિકેટ
ભારત A તરફથી બોલિંગમાં સંયુક્ત પ્રયાસ જોવા મળ્યો હતો, જેમાં 4 બોલરોએ 2-2 વિકેટ ઝડપી હતી. હર્ષિત રાણાએ 10 ઓવરમાં 77 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. પ્રિન્સ યાદવે 9.2 ઓવરમાં 60 રન ખર્ચીને 2 મહત્વની વિકેટ ઝડપી પાકિસ્તાનની ઇનિંગ સમેટી હતી. સ્પિનર વિપરાજ નિગમે 8 ઓવરમાં 46 રન આપીને 2 વિકેટ લીધી હતી, જ્યારે સૂર્યાંશ શેડગેએ 8 ઓવરમાં 55 રન આપીને 2 સફળતા મેળવી હતી. આયુષ બદોનીએ કરકસરયુક્ત બોલિંગ કરતા 5 ઓવરમાં માત્ર 18 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. બીજી તરફ, શાહબાઝ અહેમદે 6 ઓવરમાં 44 રન અને અભિષેક શર્માએ 3 ઓવરમાં 9 રન આપ્યા હતા, પરંતુ આ બંને બોલરોને કોઈ વિકેટ મળી ન હતી.
હર્ષિત રાણા અને પાકિસ્તાની ઓપનરો વચ્ચે ઉગ્ર બોલાચાલી
મેચ દરમિયાન ક્રિકેટના રોમાંચની સાથે મેદાન પર ભારે તણાવ પણ જોવા મળ્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને પાકિસ્તાનના ઓપનર માઝ સદાકત કોઈ મુદ્દે સામસામે આવી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેના કારણે અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત પાડવો પડ્યો હતો અને ભારતીય કેપ્ટન તિલક વર્મા સાથે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત, આઉટ થતા પહેલા શમીલ હુસૈને હર્ષિતની બોલિંગ અંગે ટિપ્પણી કરી હતી, જેનો જડબાતોડ જવાબ આપતા હર્ષિતે શમીલને આઉટ કર્યા બાદ બહાર જવાનો ઈશારો કરીને અને હસીને અત્યંત આક્રમક અંદાજમાં સેન્ડ-ઓફ આપ્યું હતું. વિવાદ વધતા અમ્પાયરે ફરી હસ્તક્ષેપ કરીને હર્ષિતને શાંત રહેવાની સલાહ આપી હતી.
ટોસ સમયે હાઈવોલ્ટેજ ડ્રામા
મેચની શરૂઆતમાં ટોસ વખતે પણ અજીબોગરીબ ડ્રામા જોવા મળ્યો હતો. પાકિસ્તાન A ના કેપ્ટન અબ્દુલ સમદે 'હેડ્સ' કોલ કર્યો હોવા છતાં મેચ રેફરી નિયામુર રશીદે ભૂલથી 'ટેલ્સ' જાહેર કરતા ભારત ટોસ જીત્યું હોવાનું મનાયું હતું. જોકે, બંને કેપ્ટનોએ સિક્કો તપાસ્યા બાદ સમદે માઈક પર સ્પષ્ટ 'હેડ' હોવાનું જણાવતા રેફરીએ ભૂલ સુધારી પાકિસ્તાનને ટોસ વિજેતા જાહેર કર્યું હતું, અને આ દરમિયાન બંને કેપ્ટનોએ હાથ પણ મિલાવ્યા ન હતા. ટોસ હાર્યા બાદ ભારતીય કેપ્ટન તિલક વર્માએ જણાવ્યું હતું કે સૂકી પિચને જોતા તેઓ પણ પ્રથમ બેટિંગ કરવા જ માંગતા હતા, પરંતુ ઈજામાંથી સાજા થયા બાદ હર્ષિત અને પ્રિન્સે શાનદાર બોલિંગ કરી છે.
બંને ટીમોની પ્લેઇંગ XI
આ મેચમાં ભારત Aની પ્લેઇંગ XIમાં વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, આયુષ બદોની, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહેમદ, વિપરાજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવ રમી રહ્યા છે. જ્યારે પાકિસ્તાન Aની પ્લેઇંગ XIમાં શમીલ હુસૈન, માઝ સદાકત, રોહેલ નઝીર (વિકેટકીપર), હસન નવાઝ, અબ્દુલ સમદ (કેપ્ટન), ફરહાન યુસુફ, સાદ મસૂદ, મોહમ્મદ ઈમરાન રંધાવા, અહેમદ દાનિયાલ, સુફિયાન મુકીમ અને અલી રઝા સામેલ છે.







