VIDEO: લખનૌ સુપર જાયન્ટ્સને જીત બાદ લાગ્યો ઝટકો, આખી સિઝન માટે બહાર થયો સ્ટાર સ્પિનર
રોમાંચક વિજયથી ઉત્સાહિત લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ અને તેના ફેન્સને ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર સ્પિનર આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. ગુરુવારે લખનૌએ કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટથી હરાવ્યું હતું. મુકુલ ચૌધરીની ધમાકેદાર ઈનિંગને કારણે લખનૌએ કોલકાતા પાસેથી મેચ છીનવી લીધી હતી. જોકે, મેચ પછી લખનૌના ક્રિકેટ ડિરેક્ટર ટોમ મૂડીએ ફેન્સને ખરાબ સમાચાર આપ્યા હતા.
મૂડીએ જાહેરાત કરી કે શ્રીલંકાનો સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગા IPL 2026ની આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. લખનૌએ હસરંગાને 2 કરોડ રૂપિયામાં તેની ટીમમાં સામેલ કર્યો હતો. ઈજાને કારણે, હસરંગા ટીમ સાથે નહતો જોડાઈ શક્યો અને હવે તે આખી સિઝન માટે બહાર થઈ ગયો છે. ગઈ સિઝનમાં, તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમી રહ્યો હતો.
મૂડીએ કહ્યું, "અમે એવી શક્યતા માટે તૈયાર છીએ કે તે અમારી સાથે જોડાઈ નહીં શકે. અમે રિપ્લેસમેન્ટ પર વિચાર કરી રહ્યા છીએ અને 24-48 કલાકમાં તેની જાહેરાત કરીશું."
આ ખેલાડીને મળી શકે છે તક
એક અહેવાલ મુજબ, સાઉથ આફ્રિકાનો લેફ્ટ આર્મ સ્પિન ઓલરાઉન્ડર જ્યોર્જ લિન્ડે હસરંગાનું સ્થાન લઈ શકે છે. જો તે જોડાય છે, તો આ તેનો પહેલો IPL હશે. તે હજુ સુધી આ લીગમાં નથી રમ્યો. જ્યોર્જ લિન્ડેએ અત્યાર સુધી તેની કારકિર્દીમાં 37 T20I રમી છે, જેમાં તેણે35 વિકેટ લીધી છે. લિન્ડેએ ન્યુઝીલેન્ડ પ્રવાસ દરમિયાન તેની છેલ્લી T20I રમી હતી, જ્યાં તેણે ચાર ઈનિંગ્સમાં એક વિકેટ લીધી હતી.
તે T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ હતો. તેણે વિશ્વભરની વિવિધ ક્રિકેટ લીગમાં ભાગ લીધો છે. તે તેના દેશની SA20 લીગ, ધ હંડ્રેડ, મેજર ક્રિકેટ લીગ અને PSLમાં રમ્યો છે.
લખનૌની બોલિંગ
લખનૌને હજુ સુધી હસરંગાની ખોટ વર્તાઈ નથી. ટીમમાં દિગ્વેશ રાઠી જેવા સ્પિનર પણ છે, જેણે પોતાના મિસ્ટ્રી બોલથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા છે. રાઠીએ ગઈ સિઝનમાં ડેબ્યુ કર્યું હતું અને પોતાની ડેબ્યુ સિઝનમાં જ ધમાલ મચાવી દીધી હતી.

