VIDEO: શરમજનક હાર બાદ KL રાહુલને ટીમના માલિકે ફટકાર લગાવી? સંજીવ ગોયેન્કાએ બધાની સામે ઉધડો લીધો
IPL 2024ની 57મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સની કારમી હાર થઈ છે. લખનૌ સુપરજાયન્ટ્સને સનરાઈઝ હૈદરાબાદ સામે 10

IPL 2024ની 57મી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સની કારમી હાર થઈ છે. લખનૌ સુપરજાયન્ટ્સને સનરાઈઝ હૈદરાબાદ સામે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. લખનૌ સુપરજાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 165 રન બનાવ્યા અને જવાબમાં સનરાઈઝ હૈદરાબાદે આ લક્ષ્ય માત્ર 9.4 ઓવરમાં હાંસલ કરી લીધું.
લખનૌ સુપરજાયન્ટ્સની આ હાર ખૂબ જ શરમજનક છે, કારણ કે IPLના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ટીમ આટલી ખરાબ રીતે હારી છે. જો કે, આ હાર બાદ લખનૌના કેપ્ટન કેએલ રાહુલ સાથે જે થયું તે પણ ઘણું વિચિત્ર છે. મેચ પૂરી થયા બાદ કેપ્ટન કેએલ રાહુલ લખનૌ સુપરજાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા સાથે વાત કરતા જોવા મળ્યા હતા અને દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેલાડીને ઠપકો આપવામાં આવી રહ્યો હતો.
શું KL રાહુલને ટીમના માલિકે ઠપકો આપ્યો?
લખનૌ સુપરજાયન્ટ્સની હાર બાદ કેએલ રાહુલ ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે વાત કરતા જોવા મળ્યા હતા પરંતુ સંજીવ ગોયન્કાની બોડી લેંગ્વેજ પરથી લાગી રહ્યું હતું કે તેઓ ટીમના પરફોર્મન્સથી ગુસ્સે છે અને તેઓ કેએલ રાહુલને કંઈક કહી રહ્યા છે . બીજી તરફ રાહુલ તેમને કંઈક સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે માલિક દ્વારા રાહુલને ઠપકો આપવામાં આવ્યો હતો, જોકે આ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી.
રાહુલે મેચમાં કરી ઘણી ભૂલો
લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટને આ મેચમાં પોતે ઘણી ભૂલો કરી હતી. ખાસ કરીને બેટિંગમાં જ્યાં તે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો હતો. આ મેચમાં રાહુલે 33 બોલમાં 29 રન બનાવ્યા, તેનો સ્ટ્રાઈક રેટ 87.88 હતો. રાહુલની ધીમી બેટિંગના કારણે પાવરપ્લેમાં લખનૌની ટીમ માત્ર 27 રન બનાવી શકી હતી, જ્યારે આ જ પીચ પર હૈદરાબાદની ટીમે પાવરપ્લેમાં 107 રન બનાવ્યા હતા. આ પછી રાહુલ કેપ્ટનશિપના મોરચે પણ નિષ્ફળ સાબિત થયો હતો. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માને રોકવાની તેની પાસે કોઈ યોજના નહોતી, પરિણામે લખનૌ સુપર જાયન્ટસને કારમી હારનો સામનો કરવો પડ્યો.






