IND vs NZ / ઈજા બાદ ઈશાન કિશનની જબરદસ્ત વાપસી, ન્યુઝીલેન્ડ સામે કર્યું મોટું કારનામું

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચમી T20I મેચમાં યુવા ક્રિકેટ ઈશાન કિશને મેદાન પર એવું વાવાઝોડું ફૂંક્યું કે ન્યુઝીલેન્ડની આખી ટીમ જોતી રહી ગઈ. ઈજા બાદ શાનદાર વાપસી કરતા ઈશાન કિશને કિવી બોલર્સને એવા ધોયા કે ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે તેનું નામ નોંધાઈ ગયું. પોતાની આ વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેણે એક એવો પરાક્રમ કર્યો જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ જોવા મળે છે.
ઈશ સોઢીના એક જ ઓવરમાં 29 રન, બાઉન્ડ્રીનો વરસાદ!
મેચના પહેલા બોલથી જ ઈશાન કિશન વિસ્ફોટક બેટિંગના મૂડમાં હતો. તેણે માત્ર 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ અસલી રોમાંચ તો 12મી ઓવરમાં આવ્યો જ્યારે ન્યુઝીલેન્ડનો સ્પિનર ઈશ સોઢી બોલિંગ કરવા આવ્યો. ઈશાને આ ઓવરને ટાર્ગેટ કરી રનનો વરસાદ કર્યો હતો.
ઓવરની શરૂઆત વાઈડથી થઈ, ત્યારબાદ ઈશાને સતત 3 ચોગ્ગા ફટકાર્યા. ચોથા બોલે આસમાની છગ્ગો, પાંચમા બોલે ફરી ચોગ્ગો અને છેલ્લે છગ્ગા સાથે ઓવર પૂરી કરી. એક જ ઓવરમાં ઈશાને કુલ 29 રન ઝૂડી નાખ્યા.આ સાથે જ ઈશ સોઢીના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો, જે ન્યુઝીલેન્ડ માટે T20Iમાં બીજી સૌથી મોંઘી ઓવર સાબિત થઈ.
સતત 7 બોલ પર 7 ચોગ્ગા છગ્ગાનો વર્લ્ડ ક્લાસ પરાક્રમ
ઈશાન કિશન રીતસરનો ન્યુઝીલેન્ડ પર તૂટી પડ્યો હતો. સોઢીની ઓવર પૂર્ણ થયા બાદ જ્યારે તે પછીની ઓવરમાં સ્ટ્રાઈક પર આવ્યો, ત્યારે તેણે પહેલા જ બોલે છગ્ગો ફટકારી દીધો. આમ, તેણે સતત 7 બોલમાં 7 ચોગ્ગા-છગ્ગા ફટકારવાનો અદ્ભુત રેકોર્ડ બનાવ્યો હતો.
માત્ર 14 બોલમાં 50થી 100 સુધીની સફર!
આશ્ચર્યની વાત એ છે કે માત્ર 14 બોલ ઈશાન કિશને 50 રનથી 100 રન ફટકાર્યા હતા એટલે કે અડધી સદી (28 બોલ) જડ્યા બાદ બીજી અડધી સદી માત્ર 14 બોલમાં લગાવી હતી. ન્યુઝીલેન્ડ સામે T20Iમાં આ સૌથી ઝડપી સદી છે. ઈશાન કિશને પોતાની 103 રન (43 બોલ) ની ઈનિંગમાં 6 ચોગ્ગા અને 10 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. ભલે તે સદી બાદ તરત આઉટ થઈ ગયો, પરંતુ તેની આ ઈનિંગે ભારતીય ફેન્સના દિલ જીતી લીધા અને કિવી ટીમ સામે પહાડ જેવો ટાર્ગેટ ઊભો કરી દીધો હતો.

