IPL 2026: ચેન્નાઈના ગઢમાં ગુજરાતની ગર્જના, સાઈ સુદર્શનની તોફાની બેટિંગથી CSKને 8 વિકેટથી હરાવ્યું

IPL 2026ની 37મી મેચ આજે(26 એપ્રિલ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવી દીધું છે. સાઈ સુદર્શની ઈનિંગે ગુજરાતને આ મોટી જીત અપાવી હતી.
ટોસ જીતીને ગુજરાતની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોની આ મેચમાં પણ રમ્યો નથી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 158 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 17મી ઓવરમાં 162 રન બનાવીને 8 વિકેટથી મેચ જીતી લીધી.
ગુજરાત માટે સાઈ સુદર્શને 46 બોલમાં 87 રનોની મેચ વિનિંગ ઈનિંગ રમી. ત્યારે, કેપ્ટન શુભમન ગિલે 23 બોલમાં 33 અને જોસ બટલરે 30 બોલમાં અણનમ 39 રન બનાવ્યા. આ અગાઉ બોલિંગમાં કગિસો રબાડાએ 4 ઓવરમાં 25 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 159 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ચેન્નાઈ સુપર કિંગ્સે ખરાબ શરૂઆત કરી હતી. જોકે, કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના 74 રનની મદદથી સ્કોર 158 સુધી પહોંચાડ્યો હતો. જોકે, ગાયકવાડના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. ગાયકવાડના નામે અત્યાર સુધીમાં IPLમાં સૌથી ધીમી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ નોંધાયો છે. તેણે ગુજરાત ટાઈટન્સ વિરૂદ્ધ 49 બોલમાં 50 રન પૂરા કર્યા.
એક સમયે ચેન્નાઈ સારૂ શરૂઆત તરફ આગળ વધી રહ્યું હતુ અને તેણે વિકેટ ગુમાવ્યા વગર 21 રન બનાવી લીધા હતા. પરંતુ કગિસો રબાડા અને મોહમ્મદ સિરાજની દમદાર બોલિંગના કારણે આગામી 7 બોલમાં સંજૂ સેમસન, ઉર્વિલ પટેલ અને સરફરાજ ખાન પણ આઉટ થઈ ગયા. ડેવાલ્ડ બ્રેવિસ પણ સસ્તામાં આઉટ થઈ ગયો અને જોતજોતામાં ચેન્નાઈએ 37ના સ્કોર સુધી પહોંચતા પહોંચતા 4 વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે 11 ઓવરમાં ચેન્નાઈનો સ્કોર માત્ર 45 રન હતો, પરંતુ અંતમાં ટીમે શાનદાર વાપસી કરી હતી. જોકે, ચેન્નાઈ જીત મેળવી ના શકી.
આ હતી બંને ટીમની પ્લેઈંગ 11
ચેન્નાઈ સુપર કિંગ્સ (પ્લેઈંગ ઈલેવન): સંજુ સેમસન, ઋતુરાજ ગાયકવાડ, ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હોસેન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજાપનીત સિંહ.
ગુજરાત ટાઈટન્સ (પ્લેઈંગ ઈલેવન): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, અર્શદ ખાન, કગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, માનવ સુથાર.

