Women's Asia Cup Rising Stars / તેજલની ફિફ્ટી બાદ પ્રેમા રાવતની શાનદાર બોલિંગ, ભારતે 46 રનથી જીતી ફાઈનલ

તેજલ હસબનીસની ફિફ્ટી અને ત્યારબાદ પ્રેમા રાવતની શાનદાર બોલિંગની મદદથી ઈન્ડિયા-A વિમેન્સ ટીમે ACC વિમેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026ની ફાઈનલમાં બાંગ્લાદેશ-A વિમેન્સ ટીમને 46 રનથી હરાવી છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 134 રન બનાવ્યા. જેના જવાબમાં બાંગ્લાદેશ 19.1 ઓવરમાં ફક્ત 88 રન જ બનાવી શક્યું.
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી, જ્યારે તેણે 44 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર વૃંદા દિનેશે 19 રન બનાવ્યા, જ્યારે નંદિની કશ્યપે 15 બોલમાં 8 રન બનાવ્યા. નંદિની 7મી ઓવરના પહેલા બોલ પર રન આઉટ થઈ ગઈ. બીજા જ બોલ પર ફરઝાના ઇસ્મીને મિન્નુ મણિને ગોલ્ડન ડક પર આઉટ કરી. ભારતીય ટીમ સતત બે ફટકામાંથી માંડ માંડ બહાર આવી હતી, જ્યારે ફહિમા ખાતુને અનુષ્કા શર્માને બોલ્ડ કરી.
તેજલ અને રાધાની પાર્ટનરશિપ
ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા પછી કેપ્ટન રાધા યાદવે તેજલ હસબનીસ સાથે મળીને ભારતની ઈનિંગને સંભાળી. તેઓએ 50 બોલમાં 69 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ કરી. બાંગ્લાદેશની કેપ્ટન ફહિમા ખાતુને રાધાની વિકેટ લઈને આ પાર્ટનરશિપ તોડી. ભારતીય કેપ્ટને 30 બોલમાં 36 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ તનુજાએ 1 અને પ્રેમા રાવતે 4 રન બનાવ્યા હતા.
તેજલ હસબનીસ અંત સુધી અણનમ રહી, તેણે 34 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે અણનમ 51 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની કેપ્ટન ફહિમા ખાતુને શાનદાર બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. 135 રનનો પીછો કરતા બાંગ્લાદેશ 19.1 ઓવરમાં 88 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
પ્રેમાની શાનદાર બોલિંગ
બાંગ્લાદેશ તરફથી વિકેટકીપર-બેટ્સમેન શમીમા સુલ્તાનાએ સૌથી વધુ 20 રન બનાવ્યા. તેના સિવાય સરમીન સુલ્તાનાએ 18, કેપ્ટન ફહિમા ખાતુને 14 અને સાદિયા અખ્તરે 10 રન બનાવ્યા હતા. અન્ય કોઈ બેટ્સમેન બે આંકડા સુધી ન પહોંચી શકી. ભારત તરફથી પ્રેમા રાવતે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. તનુજા કંવર અને સોનિયા મેંઢીયાએ પણ 2-2 વિકેટ લીધી.
ભારતે ટાઈટલ ડિફેન્ડ કર્યું
બાંગ્લાદેશ સામેની ફાઈનલ જીતીને ભારતે પોતાનું ટાઈટલ ડિફેન્ડ કર્યું છે. ACC વિમેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સનો પ્રારંભ 2023માં હોંગકોંગમાં થયો હતો, જેની ફાઈનલમાં ઈન્ડિયા-A એ બાંગ્લાદેશ-Aને 31 રને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

